દ્વારકાધિશ મંદિરમાં સુરક્ષાકર્મીને ગાળો ભાંડી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી
દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર સુરક્ષામાં ફરજ પર રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગીરુભા રઘુભા જાડેજા રવિવારે બપોરે દ્વારકાધીશ મંદિર ખાતે તેમની ફરજ પર હતા ત્યારે અમદાવાદનો હરિન દિવ્યાંકભાઈ પંડ્યા નામનો શખ્સ મંદિરના એક્ઝીટ ખાતેથી મંદિરમાં દર્શન કરવા માટેનું તેમને કહેતા ફરજ પર રહેલા પોલીસ કર્મી ગીરુભા જાડેજાએ તેમને અંદર જતા અટકાવ્યા હતા.
આનાથી ઉશ્કેરાયેલા હરિન પંડ્યાએ પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી અને ગાળો ભાંડી હતી. આટલું જ નહીં, તેમનો કોલર પકડીને ગળું પણ પકડી ઉઝરડાઓ કર્યા હતા.
આ ઉપરાંત આરોપીએ પોલીસ જવાનને બહાર નીકળશે તો જોઈ લેવાની તેમજ વર્ધી ઉતરાવી દઈ અને સસ્પેન્ડ કરાવવાની પણ ધમકી ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ રીતે આરોપી શખ્સ દ્વારા લોકોની ઉપસ્થિતિમાં પોલીસની છાપ ખરડાય તેવું અશોભનીય વર્તન કરવા સબબ દ્વારકા પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પી.કે. ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.
બાઇક સ્લીપ થતા રાણાવાવના યુવાનનું અપમૃત્યુ
ખંભાળિયા તાલુકાના યોગેશ્વર નગર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ રાણાવાવના રહીશ પુનિતભાઈ જયેશભાઈ અગ્રાવત નામના 22 વર્ષના યુવાન ગત તારીખ 19 ના રોજ સાંજના સમયે પોતાના મોટરસાયકલ પર બેસીને ખંભાળિયાથી રાણાવાવ જવા માટે નીકળ્યા હતા, ત્યારે અત્રેથી આશરે 20 કિલોમીટર દૂર ભાણખોખરી ગામે પહોંચતા રોડ પર રહેલી ભરડીયાની કાંકરીના કારણે તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું.
આ અકસ્માતથી પુનિતભાઈને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા જયેશકુમાર રામકૃષ્ણ અગ્રાવત (ઉ.વ. 48, રહે. રાણાવાવ) એ અહીંની પોલીસને કરી છે.