પહેલગામમાં આતંકી હુમલાના પગલે દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં વધારો
કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલાએ સમગ્ર દેશમાં ચિંતાનું વાતાવરણ ઊભુ કર્યુ છે ત્યારે આ આતંકવાદી હુમલાના પડઘા દુર પ્રદેશો સુધી મહેસૂસ થયા હોય તેમ ગુજરાતમાં આવેલ ચાર ધામો પૈકીનું એક ધામ એવા યાત્રાધામ દ્વારકામાં પણ જગતમંદિર સહિત મહત્વના સ્થળો પર સુરક્ષા વધારવાનો નિર્ણય લેવાયો છે જેની તત્કાલ અમલવારી શરૂૂ કરાઈ છે. દ્વારકાધીશ જગતમંદિરમાં બારેમાસ યાત્રાળુઓની ભારે ભીડ રહેતી હોય હાઈ એલર્ટમા મૂકાયું છે અને સ્થાનીય પોલીસ, બોમ્બ સ્કવોડ તથા ઈન્ટેલીજન્સ એજન્સીઓની સહભાગિતાથી સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ રહી છે.
જગતમંદિર આસપાસના વિસ્તારોમાં બોમ્બ સ્કવોડ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ રહી છે અને દરેક પ્રવેશદ્વાર પર મેટલ ડીટેકટર, બોડી સ્કેનર્સ ગોઠવવામાં આવ્યા છે. અને દરેક શ્રધ્ધાળુઓની ઓળખપત્ર અને સામાનની ચકાસણી બાદ જ પ્રવેશ આપવાની મજબૂત ચેકીંગ પ્રક્રિયા અમલમાં આવી છે. મંદિર પ્રવેશ દ્વારથી પરિસર સુધી સતત પોલીસ પેટ્રોલીંગ રાખવામાં આવી રહયુ છે. પોલીસ વિભાગ દ્વારા આવા પગલાં યાત્રીકોની સલામતી અને શાંતિ અને ભકિતનું વાતાવરણ જળવાઈ રહે અને યાત્રીકો સહજતાથી દેવ-દર્શન કરી શકે તે માટે લેવાયા હોવાનું જણાવ્યું છે.