યુનિ.માં સેમેસ્ટર-2 અને 4ની બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી બીજા તબકકાની પરીક્ષા શરૂ થઇ છે જેમાં સેમેસ્ટર-2 અને સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં 54534 પરીક્ષાર્થી માટે સૌરાષ્ટ્રના વિવિધ સેન્ટરમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ રોકવા 70થી વધારે ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આજથી શરૂૂ થયેલી બીજા તબક્કાની પરીક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ બીએ સેમેસ્ટર 4 રેગ્યુલરમાં 17108,બીકોમ સેમેસ્ટર ચાર રેગ્યુલરમાં 16116 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. પીજીડીસીસી સેમેસ્ટર બે માં માત્ર સાત વિદ્યાર્થીઓ નોંધાયા છે. આવી જ રીતે બીએઆઇડી સેમેસ્ટર ચારમાં અને એમબીએ બી એન્ડ એફ સેમેસ્ટર બે માં માત્ર 12 વિદ્યાર્થીઓ નોંધાયા છે. એમએસસી ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર ચારમાં માત્ર આઠ વિદ્યાર્થીઓ અને એમએસસી આઈટી સેમેસ્ટર 2 માં 16 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
આજથી શરૂૂ થયેલી પરીક્ષામાં બી.એ.બી.એસ.ડબલ્યુ એમએ બીજેએમસી એમબીએ બીકોમ એમ.કોમ બીસીએ એમએસસી એલએલબી એલએલએમ બીઆરએસ બીએ બીએડ એમપીએડ સહિત 32 અભ્યાસક્રમોની પરીક્ષાઓ શરૂૂ થઈ છે. જ્યાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા છે તેવી કોલેજોને જ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસ પર આવેલા કંટ્રોલ રૂૂમમાં દરેક પરીક્ષા કેન્દ્રના વર્ગખંડમાં થતી ગતિવિધિઓ લાઈવ નિહાળી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટાભાગની પરીક્ષાના પેપરો ક્વેશચન પેપર ડિલિવરી સિસ્ટમ (કયુપીડીએસ)થી મોકલવામાં આવ્યા છે.
યુનિવર્સિટીના જણાવ્યા મુજબ બીજા તબક્કાની પરીક્ષાઓ પૂરી થયા પછી આગામી તારીખ 26 થી ત્રીજા તબક્કાઓની પરીક્ષા શરૂૂ થશે અને તેમાં સેમેસ્ટર 2 ના 20 થી વધુ અભ્યાસક્રમોની પરીક્ષા લેવામાં આવશે. મોટા ભાગની પરીક્ષાઓ તારીખ 1 અને 2 મે ના પૂરી થાય છે. તમામ પરીક્ષાઓ તારીખ પાંચ મેં સુધીમાં પૂરી થઈ જશે. ત્રીજા તબક્કાની પરીક્ષામાં ન્યુ એજ્યુકેશન પોલીસી અને નોન ન્યુ એજ્યુકેશન પોલીસી એમ બંને પ્રકારના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. નવી એજ્યુકેશન પોલીસીમાં ચાર ક્રેડિટ છે અને તેની થીયરીની પરીક્ષા બે કલાકની રહેશે. નોન એનઈપી અભ્યાસક્રમોમાં બે ક્રેડિટ હોવાથી તેમની થીયરીની પરીક્ષા એક કલાકની રાખવામાં આવી છે.