રાજકોટ જિલ્લામાં બોર્ડના 80 હજાર છાત્રો માટે 312 બિલ્ડિંગમાં બેઠક વ્યવસ્થા
- 65 કેન્દ્રોના 2851 બ્લોકમાં લેવાશે પરીક્ષા: કરણસિંહજી હાઇસ્કૂલમાં કંટ્રોલરૂમ: જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્લાન રજૂ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.11 માર્ચથી ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે અને તા.26 માર્ચ પેપર પુરા થશે. રાજકોટ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા અને પ્રાથમિક શિક્ષણાધિકારીની બેઠક મળી હતી. જેમાં એકશન પ્લાન રજુ કરવામાં આવ્યો હતો. 80 હજાર છાત્રો પરીક્ષા આપશે. જિલ્લામાં 8 સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો આવેલા છે.
જેમાં રાજકોટ જિલ્લામાં 65 કેન્દ્રોના 312 બિલ્ડિંગોના 2,851 બ્લોક પરથી 80,510 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ રાજકોટ જિલ્લાનો બોર્ડનો એક્શન પ્લાન જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લામાં ધોરણ 10માં 40 કેન્દ્રના 173 બિલ્ડિંગના 1,568 બ્લોક પરથી 45,642 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 6 કેન્દ્રોના 42 બિલ્ડિંગમાં 439 બ્લોક પરથી 8,653 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 19 કેન્દ્રો છે અને 97 બિલ્ડિંગ છે. જેમાં 844 બ્લોક પરથી 26,215 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં 8 સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો જાહેર કરવામાં આવ્યા છે.
ધોરણ 10માં રાજકોટ શહેરમાં બેડીપરા, સદર અને મવડી જ્યારે ગ્રામ્યમાં ધોરાજી અને જસદણ એમ કુલ 5 ઝોન રાખવામાં આવ્યા છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં રાજકોટ ધોરાજી અને જસદણ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રાજકોટ 1 અને 3 તથા ધોરાજી અને જસદણ એમ કુલ 4 ઝોન પરથી પરીક્ષા લેવામાં આવશે. રાજકોટ જિલ્લાના તમામ ઝોન પરના તમામ બિલ્ડિંગના બ્લોક ઈઈઝટ કેમેરાથી સજ્જ છે. એટલે કે, રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા જેટલા કેન્દ્રો ઉપરથી લેવામાં આવશે. તે તમામ કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા છે. રાજકોટ જિલ્લામાં ખાસ તકેદારી રાખવાના પરીક્ષા કેન્દ્રો ઉપર જિલ્લા કલેકટર દ્વારા વર્ગ 1 અને 2ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. જેઓ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર ઇન્સ્પેક્શન માટે જશે. આ સાથે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વિજલન્સની ટીમ પણ કાર્યરત રહેશે. રાજકોટ જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે કરણસિંહજી સરકારી હાઈસ્કૂલને જિલ્લા કંટ્રોલરૂૂમ જાહેર કરવામાં આવ્યો છે. જેના મોબાઈલ નંબર 76229 21183 જાહેર કરવામાં આવ્યા છે જે કંટ્રોલરૂૂમ તારીખ 10થી 26 માર્ચ સુધી કાર્યરત રહેશે. આ સાથે જ બોર્ડની વેબસાઈટ, હેલ્પ લાઈન નંબર અને સ્ટેટ કંટ્રોલ રૂૂમ પણ કાર્યરત રાખવામાં આવશે. રાજકોટ ઉપરાંત ઉપલેટા, જેતપુર, ગોંડલ, કોટડા સાંગાણી, વિંછીયા, પડધરી અને લોધિકામાં કાર્યરત હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શિક્ષણ બોર્ડ દ્વારા 33 પ્રકારના ગુનાઓ બદલ સજાની જોગવાઈ પણ જાહેર કરવામાં આવી છે.
ગોંડલ, દેરડી, પડધરી, વીરપુર, ભાયાવદરના 8 કેન્દ્રો સંવેદનશીલ- અતિસંવેદનશીલ
રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અતિ સંવેદનશીલ કેન્દ્રોમાં રાજકોટ જિલ્લામાં ધોરણ 10માં ગોંડલ અને દેરડી કુંભાજી જ્યારે ધો. 12માં પડધરી અને ભાયાવદર જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોમાં ધો. 10માં પડધરી, ભાયાવદર અને વીરપુર જયારે ધો. 12માં ગોંડલ છે. એટલે કે 11 માર્ચથી શરૂૂ થતી બોર્ડની પરીક્ષા દરમિયાન 8 પરીક્ષા કેન્દ્રોને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.