ધો.10,12ના 15 લાખ વિદ્યાર્થીઓ માટે 1634 કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની વાર્ષિક પરીક્ષાનો એકશન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 15 લાખથી વધારે વિદ્યાર્થીઓ માટે 1634 કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. બોર્ડ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2024ની ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાને લઈ એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10માં 84 ઝોનના 981 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાશે. જે પૈકી 4 જેલ કેન્દ્રો પર પણ પરીક્ષા લેવાશે. ધોરણ 10માં 9,17,687 વિધાર્થીઓ પરીક્ષા આપનાર છે, જે પૈકી 1.65 લાખ વિદ્યાથીઓ રીપીટર તરીકે પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 147 કેન્દ્ર પર યોજાશે, જેમાં 1,11,549 વિદ્યાથીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 506 પરીક્ષા કેન્દ્રો પર 4,89,279 વિદ્યાથીઓ પરીક્ષા આપશે. જે પૈકી 74,547 રીપીટર વિધાર્થીઓ નોંધાયા છે.
રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા યોજાવાની છે. ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની જેલોમાંથી પણ કેદીઓ પરીક્ષા આપવાના છે. ધોરણ 10 માટે 73 અને ધોરણ 12 માટે 57 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10માં અમદાવાદ જેલથી 27, સુરતમાં 17, રાજકોટ 16 અને વડોદરામાં 13 કેદીઓ પરીક્ષામાં બેસશે. જ્યારે ધોરણ 12માં અમદાવાદથી 28, સુરતથી 13, વડોદરાથી 9 અને રાજકોટથી 7 કેદીઓ પરીક્ષા આપશે. બોર્ડ તમામ મધ્યસ્થ જેલોમાં કેન્દ્રોની વ્યવસ્થા ઉભી કરી છે.
ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 21 માર્ચ સુધી ચાલશે. ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારે 10થી 1:15 સુધીનો રહેશે. ધોરણ 12ની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ સુધી ચાલશે જેનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6:15 સુધીનો રહેશે. ધોરણ 10ની પરીક્ષા 84 ઝોનના 981 કેન્દ્રો પર યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 506 અને વિજ્ઞાન પ્રવાહમાં 147 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. 4 અલગ અલગ જેલમાં કેન્દ્રો પર પણ પરીક્ષા યોજાશે.