સહેલીના ઘરે કપડાં ચેન્જ કરવાના બહાને ત્રણ ઘરમાંથી દાગીના પડાવનાર કોલેજિયન છાત્રાની શોધખોળ
રાજકોટ શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર 3 જેટલા મકાનમા કોલેજીયન છાત્રાએ તેમની સહેલીના ઘરે કપડા બદલાવવાના બહાને દાગીનાની ચોરી કર્યાની પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે. આ ઘટના બાદ પોલીસે વિદ્યાર્થીનીને પકડી લેવા તેમના ઘરે તપાસ શરૂ કરી હતી.
વધુ વિગતો મુજબ કુવાડવા રોડ પર કસ્તુરી રેસીડેન્સી શેરી નં ર મા રહેતા રાજેશભાઇ ગોરધનભાઇ અજુડીયાએ પોતાની ફરીયાદમા આરોપી તરીકે આર્યનગર શેરી નં 6 મા રહેતી પ્રિયંકા જગદીશભાઇ પાનસુરીયાનુ નામ આપતા તેમની સામે ચોરી અંગેની ફરીયાદ નોંધવામા આવી હતી. આ મામલે રાજેશભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે ચાંદી કામ કરે છે. ગઇ તા. 26-12 ના રોજ પોતે કામ પર હતા ત્યારે પત્નીનો બપોરના સમયે કોલ આવ્યો હતો અને પોતાના ઘરમા આવેલા કબાટના ડ્રોવરમા રાખેલા સોનાના દાગીના જે જોવામા આવતા નથી તેમ કહયુ હતુ.
આ બાબતે તેમને જાણ કરતા રાજેશભાઇ ઘરે પહોંચ્યા હતા અને તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે આર્યનગરમા રહેતી પ્રિયંકા પાનસુરીયા તેના ઓળખીતાઓના ઘરે પહોંચી કપડા બદલાવવાના બહાને ઘરમાથી ચોરી કરે છે. તેમણે થોડા દિવસ પહેલા આ રીતે દાગીનાની ચોરી કરી હતી તે બાબતે તેમના સગાને ધ્યાનમા આવતા પ્રિયંકાએ આ દાગીના પરત આપી દીધા હતા.
જેથી આ બાબતે તપાસ કરતા રાજેશભાઇની પુત્રીએ જણાવ્યુ કે તેમને આ પ્રિયંકા ઓળખે છે અને પ્રિયંકા ગઇ તા. 22-10 ના રોજ સાંજે ઘરે આવી હતી અને કપડા બદલાવવાના બહાને તેણે રૂમમાથી ચોરી કરી હતી. ત્યારબાદ તેના વિસ્તારમા રહેતા શૈલેષભાઇ મુળીયા અને વિપુલભાઇ પરસાણાના ઘરમાથી પણ ચોરી કર્યાનુ માલુમ પડતા અંતે બિ ડીવીઝન પોલીસ મથકે પહોંચી પ્રિયંકા વિરૂધ્ધ પોલીસમા ફરીયાદ નોંધાવી હતી. આ મામલે બિ ડીવીઝન પોલીસના પીઆઇ રાણે અને સ્ટાફે પ્રિયંકાના ઘરે જઇ તપાસ કરી હતી.