કોંગ્રેસના અધિવેશન માટે સ્થળની શોધ, કે.સી.વેણુગોપાલ ગુજરાતમાં
64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. તા. 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનારા AICC અધિવેશનનું સ્થળ નક્કી કરવા માટે AICC સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલ અમદાવાદ આવ્યા છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે આ અંગે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી.
કે.સી. વેણુગોપાલ અમદાવાદ પહોંચતા મોટી સંખ્યામાં કાર્યકરો એરપોર્ટ પર તેમને આવકારવા પહોચ્યા હતા. 8-9 એપ્રિલ યોજાનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી માટે તેઓ અમદાવાદ આવ્યા છે. આજે અધિવેશન માટે શોર્ટલિસ્ટ કરાયેલ સ્થળના નિરીક્ષણ કર્યા હતા.અને ત્યારબાદ બપોરે 3 કલાકે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અધિવેશનને લઈ નેતાઓને જવાબદારીઓ સોંપાશે.
ગુજરાત પહોંચેલા કે સી વેણુગોપાલે જણાવ્યું છે કે રાષ્ટ્રીય અધિવેશનની સ્થળ પસંદગી માટે ગુજરાત આવ્યો છું. અમે અને ગુજરાત ગાંધીજી-સરદારના વારસાને લઈ આગળ વધી રહ્યા છીએ. ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી ચેલેન્જ છે, જેનો સ્વીકાર અમે કરીએ છીએ. ચેલેન્જને સ્વીકારી કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે.આ પહેલા 1961માં ભાવનગરમાં અધિવેશન યોજાયું હતું. આમ 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાશે. તેમાં પણ યોગાનુયોગ 1961માં ભાવનગરમાં અધિવેશન મળ્યું હતું અને આ વખતે ભાવનગરના વતની એવા શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ પદે છે. તે અધિવેશન સમયે વર્તમાન પ્રદેશ પ્રમુખ માત્ર 1 વર્ષના હતા.