રાજકોટમાં ધંધાની હરીફાઈમાં ભંગારના વેપારીની હત્યા
બે દિવસ પૂર્વે લાપતા બનેલા યુવકને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મહત્વની કડી મળી
રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શનિવારથી ગુમ થયેલા ભંગારના ધંધાર્થીનું પથ્થરના ઘા ઝીંકી હત્યા કર્યાના બનાવથી સનસનાટી મચી ગઈ છે. આ મામલે પોલીસે તપાસ કરતાં સીસીટીવી ફુટેજના આધારે મહત્વની કડી મળી છે અને આ હત્યામાં ધંધાકીય હરિફાઈ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે હત્યારાઓ સુધી પહોંચવા ચક્રોગતિમાન કર્યા છે.
મળતી વિગતો મુજબ, રાજકોટનાં રૈયાધારમાં રહેતા અને ભંગારની ફેરી કરી વેપાર કરતાં વિનોદ દિનેશભાઈ વઢીયારા (ઉ.22) નામનો યુવાન શનિવારે ઘરેથી ભંગારની ફેરી કરવા નિત્યક્રમ મુજબ નિકળ્યો હતો. બપોરે મોડે સુધી તે ઘરે પરત ન આવતાં ફોન કરતાં પરિવારને વિનોદે હમણા આવું છું વાત કરી હત.ી પરિવાર સાથે વાતચીત બાદ વિનોદનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો જેથી પરિવારજનોએ તેની શોધખોળ કરતાં કોઈ માહિતી મળી ન હતી. દરમિયાન રવિવારે બપોરે રૈયાધાર શાંતિનગરના ગેઈટ નજીક એક પ્લોટમાં વિનોદ વઢીયારાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
આ બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તથા ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસ કરતાં મૃતક વિનોદને પથ્થરના ઘા ઝીંકી માથુ અને મોંઢુ છુંદી મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાનું ખુલ્યું હતું. મૃતક વિનોદની ભંગારની રેંકડી પણ થોડે દૂર બાવળની ઝાડીમાં મળી આવી હતી.
હત્યારાઓએ રેંકડી બાવળની ઝાડીમાં છુપાવી દીધી હતી. ક્રાઈમ બ્રાંચ અને યુનિવર્સિટી પોલીસે આ હત્યાના બનાવમાં નજીકના તમામ સીસીટીવી ફુટેજ ચેક કરતાં મહત્વની કડી મળી હતી.
મૃતક વિનોદ સાથે ભંગારની ફેરી કરતો એક શકમંદ તેની સાથે દેખાયો હતો અને તે જ શખ્સ વિનોદની રેંકડી લઈને જતો સીસીટીવીમાં કેદ થયો હોય તેની પોલીસે શોધખોળ શરૂ કરી છે. હત્યા પાછળ ધંધાકીય હરિફાઈ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મામલે યુનિવર્સિટી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.