કણકોટ પાસે કાર અડફેટે સ્કૂટરચાલક વેપારીનું મોત
શહેરમાં અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો જેમા માધાપર ગામે રહેતા વૃદ્ધ તેનુ સ્કુટર લઈને ગોંડલ ચોકડીથી ઘેર જતા હતા તે દરમ્યાન કણકોટ પાસે પુરપાટ કારે ઠોકરે લેતા તેમનુ મોત નિપજયુ હતુ. બનાવને પગલે તેના પરીવારમાં શોક છવાયો છે. તેમજ અકસ્માત બાદ કાર ચાલક તાલુકા પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે ગુનો નોંધવાની અને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માધાપર ગામે વૃંદાવન સોસાયટીમાં રહેતા અને ગોંડલ ચોકડી પાસે ઓટો સ્પેર પાર્ટનો વ્યવસાય કરતા મનસુખભાઈ મોહનભાઈ ઝાલાવડીયા (ઉ.60) સાંજે ગોંડલ ચોકડીએ કામ કરી ઘેર તેનુ સ્કુટર લઈને જતા હતા તે દરમ્યાન કણકોટ ચોકડી પાસે પુરપાટ ઝડપે ધસી આવેલી કારે ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. વૃદ્ધને ગંભીર હાલતમાં સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યુ હતુ. બનાવની જાણ થતા તાલુકા પોલીસે તપાસ કરતા મૃતક મનસુખભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું અને ચાર ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ હોવાનુ પરીવારે જણાવ્યુ હતુ તેમજ અકસ્માત બાદ નાસી જનાર કાર ચાલક તાલુકા પોલીસ મથકમાં હાજર થતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.