રાજકોટમાં સામાન્ય ઠંડીમાં 4 લોકોના હૃદય બેસી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં શિયાળાની ઋતુમાં ઠંડીની શરૂઆત થતાં જ હૃદયરોગના હુમલાની ઘટનાઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં સામાન્ય ઠંડીમાં જ વધુ ચાર લોકોના હૃદય બેસી ગયા છે. જેમાં પ્રૌઢા, પ્રૌઢ, આધેડ અને વૃધ્ધને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતાં રેખાબેન વિજયભાઈ સોલંકી નામના 47 વર્ષના પ્રૌઢા પોતાના ઘરે હતાં ત્યારે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. મૃતક પ્રૌઢાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
બીજા બનાવમાં પરાપીપળીયા ખાતે રહેતાં અને કારખાનામાં કામ કરતાં આશુતોષ આનંદાભાઈ માનજી (ઉ.51)ને મધરાત્રે છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું. મૃતક આધેડ મુળ ઓડીસાના વતની હતાં અને બે ભાઈ બે બહેનમાં વચેટ હતાં. મૃતક આધેડને સંતાનમાં એક પુત્રી છે.
ત્રીજા બનાવમાં જામનગર રોડ પર પરાપીપળીયા ખાતે રહેતાં કનુભાઈ હમીરભાઈ હુંબલ (ઉ.49) સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તબીબે પ્રૌઢનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક આધેડ ચાર ભાઈ બે બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર છે.
આ ઉપરાંત ચોથા બનાવમાં ગોંડલ રોડ પર આવેલ સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા ગોરધનભાઈ ગંગદાસભાઈ પટોડીયા (ઉ.59) સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં વૃધ્ધાશ્રમમાં હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. વૃધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.