બીજા સત્ર પહેલા ક્લાર્કની ભરતી ન થાય તો હાઈકોર્ટમાં જવા શાળા સંચાલક મંડળની ચિમકી
ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં હાલમાં ક્લાર્કની જગ્યાઓની ભારે અછતને કારણે વહીવટી સંકટ ઊભું થયું છે. ચોંકાવનારી વિગતો મુજબ, રાજ્યમાં 200 વિદ્યાર્થીઓ દીઠ એક પણ ક્લાર્કની નિમણૂક થયેલી નથી. શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાની ફરિયાદો તો છે જ, પરંતુ તેમની સાથે વહીવટી કરોડરજ્જુ ગણાતી ક્લાર્કની જગ્યાઓ પણ મોટા પ્રમાણમાં ખાલી પડી છે.
આ સમસ્યાનું મૂળ કારણ એ છે કે છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં ક્લાર્કની ભરતી જ કરવામાં આવી નથી, જેને કારણે શાળાઓનો દૈનિક વહીવટી ભાર વધી ગયો છે અને શિક્ષણ કાર્ય પર તેની નકારાત્મક અસર પડી રહી છે.ક્લાર્ક ન હોવાને કારણે શાળાના સંચાલનને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી શાળાઓમાં તો પરિસ્થિતિ એટલી ગંભીર છે કે, શાળાના પ્રિન્સિપાલને જ ક્લાર્કની ફરજ નિભાવવી પડે છે.
પરિણામે, વહીવટી કાર્યોમાં તેમનો કિંમતી સમય વેડફાઈ જાય છે અને તેઓ શાળાના વિકાસલક્ષી કાર્યો તેમજ શૈક્ષણિક ગુણવત્તા પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. શિક્ષકોએ પણ વહીવટી કામગીરીમાં મદદ કરવી પડતી હોવાથી તેમનો ભણાવવાનો સમય ઓછો થાય છે. આ બાબત રાજ્યના શિક્ષણ માળખા માટે ચિંતાનો વિષય છે.
રાજ્યભરના શાળા સંચાલક મંડળે હવે આ મામલે સરકારને સખત શબ્દોમાં રજૂઆત કરી છે.
મંડળની મુખ્ય માંગણી છે કે, શાળાઓનું વહીવટી કાર્ય સુગમ રીતે ચાલી શકે તે માટે બીજું સત્ર શરૂૂ થાય તે પહેલાં ક્લાર્કની ભરતીની પ્રક્રિયા તાત્કાલિક શરૂૂ કરવામાં આવે. શાળા સંચાલક મંડળે ચેતવણી આપી છે કે, જો તેમની આ મહત્ત્વપૂર્ણ માંગણીને ધ્યાનમાં લેવામાં નહીં આવે અને ભરતી નહીં કરવામાં આવે, તો તેઓ વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટ (ઇંઈ) માં કાયદાકીય લડત માટે જશે. આ પગલું સરકાર પર વહીવટી પદો ઝડપથી ભરવા માટે દબાણ લાવશે.