લીંબડી પાસે શાળા પ્રવાસની બસનો અકસ્માત: 9 વિદ્યાર્થી સહિત 11 ઘાયલ
લીંબડીની શાળાના શિક્ષકો અને 57 બાળકો દ્વારકા પ્રવાસે નીકળ્યા હતા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. લીંબડીથી દ્વારકા જઈ રહેલી પ્રાથમિક શાળાના પ્રવાસની ટ્રાવેલ્સ બસ ડમ્પર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં નવ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો ઈજાગ્રસ્ત થયા છે.
ટ્રાવેલ્સમાં કુલ 57 બાળકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચોરણીયા નજીક ડિવાઈડરને કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થયા હતા. લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.
લીંબડી તાલુકાના ચોરણીયા પ્રાથમિક શાળામાં તમામ બાળકોને લઇ જવામાં આવ્યા છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. લીંબડી-અમદાવાદ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત બાદ ખાનગી ટ્રાવેલ્સ તેમજ ડમ્પર ચાલક બન્ને નાશી છુટયા હતા. જયારે આ ઘટનાના પગલે મામલતદાર અને લીંબડી પ્રાંત કલેકટર પણ ચોરણીયા પ્રાથમિક શાળામાં દોડી ગયા હતા. આ અકસ્માતની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ખુદ ચોરણીયા પ્રાથમિક શાળા ખાતે આવવા નીકળી ગયા હતા.
આ અંગે લીંબડી મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષક અલ્પેશકુમાર પ્રજાપતિએ જણાવ્યું કે, અમારી શાળાના વિદ્યાર્થીઓ લીંબડી મુખ્ય પ્રાથમિક શાળામાંથી દ્વારકા પ્રવાસે જવા માટે નીકળ્યા હતા. ત્યારે રાત્રીના સમયે અમારી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં શાળાના બાળકોને નાની મોટી ઈજાઓ થઇ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી, કે બાળકોને ગંભીર ઈજાઓ થઇ નથી. હાલમાં તમામ બાળકોને સારવાર આપી દેવામાં આવી છે અને વાલીઓને જણાવવાનું કે, તેઓ કોઈપણ પ્રકારની ચિંતા ના કરે. અમે ભગવાનનો ખુબ આભાર માનીએ છીએ કે, શાળાના તમામ બાળકો સહી સલામત છે.
ઈજાગ્રસ્ત બાળકો અને શિક્ષકોના નામ
1) દિનિતાબેન આકાશભાઈ દલાભાઈ
2) બામણીયા વિરસિંગભાઈ
3) બામણીયા ગુલાબ મગનભાઈ
4) સુમિત્રાબેન રામસિંગભાઈ
5) બામણીયા સોમલબેન
6) બામણીયા છત્રસિંહ સોમાભાઈ
7) પંકજભાઈ પર્વતભાઈ
8) બામણીયા આરતીબેન રાજેશભાઈ
9) પારગી કિંજલબેન રાકેશભાઈ
10) અનિતાબેન નટવરભાઈ
11) જીગ્નેશ ભરતભાઈ