મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે 109 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ
આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે. તેથી તેના જન્મ પછી તેનામાં સર્વાંગી વિકાસ કેળવાય તે માટે આંગણવાડી કેન્દ્ર તેના વિકાસનું પ્રથમ પગથીયું છે. સરકાર દ્વારા બાળકોના સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે આજરોજ ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે, રાજકોટના લોધિકા તાલુકાના મેટાડા જી.આઈ.ડી.સી ખાતેથી જિલ્લામાં પ્રથમવાર એકસાથે કુલ 109 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું છે. જેમાં રૂૂ. 12.32 કરોડના ખર્ચે નિર્માણ પામનારી 103 આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને રૂૂ. 51 લાખના ખર્ચે નવનિર્મિત 06 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અર્પણ કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં લોધીકા તાલુકામાં મેટોડા-1, મેટોડા-2, ખીરસરા- 2, હરીપરપાળ-2 તથા કોટડાસાંગાણી તાલુકામાં કોટડાસાંગાણી-5, જૂની મેંગણી-2 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કર્યું. આ ઉપરાંત, લોધીકા તાલુકામાં 05, કોટડાસાંગાણી તાલુકામાં કુલ 10, વિંછીયા તાલુકામાં 09, જસદણ તાલુકામાં કુલ 16, રાજકોટ (ગ્રામ્ય) તાલુકામાં 13, જામકંડોરણા તાલુકામાં 08, ઉપલેટા તાલુકામાં 03, ગોંડલ તાલુકામાં 19, જેતપુર તાલુકામાં 14, ધોરાજી તાલુકામાં 06 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં.
આ પ્રસંગે મંત્રીના અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન કંચનબેન બગડા, શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પાબેન તોગડીયા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ સહિત સંબંધિત ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.