For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપના કોંગ્રેેસીકરણ સામે અંતે ભડકો, સાવલીના ધારાસભ્યનું રાજીનામું

01:59 PM Mar 19, 2024 IST | Bhumika
ભાજપના કોંગ્રેેસીકરણ સામે અંતે ભડકો  સાવલીના ધારાસભ્યનું રાજીનામું
  • કેતન ઇનામદારે અડધી રાત્રે અધ્યક્ષને રાજીનામાનો ઇ-મેલ કરી દીધો, અંતર આત્માના અવાજને માન આપી ધારાસભ્યપદ ફગાવ્યું, કાર્યકરોનો અવાજ રુંધાતો હોવાની વ્યક્ત કરેલી લાગણી, ભાજપમાં ભારે ખળભળાટ

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે 7 મે ના રોજ મતદાન યોજાશે. ત્યારે દરેક રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે વડોદરામાં ભાજપમાં આંતરિક વિવાદ સર્જાયો છે. સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું હતું. જો કે, તેમણે રાજીનામાનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નથી. પરંતુ કોંગ્રસેના કાર્યકરો-આગેવાનોની આડેધડ ભાજપમાં ભરતીથી કેતન ઇનામદાર ભારે નારાજ હોવાનું જાણવા મળે છે.

Advertisement

સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે મોડી રાતે જ વિધાનસભાના અધ્યક્ષને ઈમેઈલ કરીને રાજીનામું આપી દીધું છે. કેતન ઈનામદારે પોતાના ત્રણ લાઈનના પત્રમાં લખ્યું હતું કે હું કેતન કુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરુ છું. મારા અંતર આત્માના અવાજને માન આપીને મારૂૂ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે. જો કે કેતન ઈનામદારનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષે સ્વીકાર્યું નથી. નોંધનીય છે કે, કેતન ઈનામદારે પહેલા પણ એકવાર રાજીનામું આપ્યું હતું.

જો કે જાણકારોનું કહેવું છે કે ધારાસભ્ય પદેથી રાજીનામાનું પત્ર રૂબરૂ આપે નહીં ત્યાં સુધી તે માન્ય ગણાય નહીં. બીજી તરફ કેતન ઇનામદારે મીડીયા સાથેની વાતચીેતમાં જણાવ્યું હતું કે લોકસભાની ચુંટણી અને મારા રાજીનામાને કાંઇ લેવા દેવા નથી હું રંજનબેન ભટ્ટને સપોર્ટ કરૂં છું. ભાજપ કાર્યકરોની પાર્ટી છે. પરંતુ કયાંકને કયાંક અવાજ રૂંધાતો હોય તેવું લાગે છે. જેથી હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું.

Advertisement

વડોદરા શહેર અને જિલ્લા ભાજપમાં ઘણાં સમયથી નારાજગી છે. વડોદરાના ડો.જ્યોતિબેને પણ આક્રોશ વ્યક્ત કર્યો છે. રંજનબેનને ટિકિટ મળતા જ્યોતિબેન નારાજ થયા હતા. કોંગ્રેસના નેતાઓની ભાજપમાં ભરતીથી કેતન ઇનામદાર નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રો અનુસાર, ભાજપમાં જોડાયેલા કોંગ્રેસીઓને જવાબદારી સોંપાતા તેઓ નારાજ થયા છે. જો કે, વિધાનસભા અધ્યક્ષ રાજીનામું સ્વીકારે તેવી શક્યતા નહીંવત છે. સતીષ પટેલને જિલ્લા અધ્યક્ષ બનાવતા કેતન ઇનામદાર નારાજ હતા.

કેતન ઈનામદારે ત્રણ લાઈનનું રાજીનામું લખ્યું હતું. તેમણે મોડી રાત્રે 1.35 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને ઈ-મેઈલ કર્યો હતો. પ્રદેશ ભાજપમાંથી રાજીનામું આપનાર કેતન ઈનામદાર પ્રથમ ધારાસભ્ય છે. કેતન ઇનામદાર 2012માં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર તેઓ ધારાસભ્ય બન્યા હતા. તેમણે વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય બની રાજનીતિની શરૂૂઆત કરી હતી.

ટોચની નેતાગીરીના આંધળુકિયાથી કાર્યકરોમાં અંદરખાને ધગધગતો રોષ
ભાજપના સુત્રોનું કહેવું છે કે, કોંગ્રેસના નેતાઓને આડેધડ ભાજપમાં એન્ટ્રીના કારણે ભાજપમાં અંદરખાને ભારે રોષ ભભુકી રહ્યો છે. વર્ષોથી પાર્ટી માટે કાળી મજુરી કરનારાઓને સાઇડમાં ધકેલી કોંગ્રેસમાંથી આવતા નેતાઓ માટે લાલ જાજમ બિછાવવામાં આવી રહી હોવાથી ભાજપના કાર્યકરો- નેતાઓમાં અંદરખાને નારાજગી પ્રવર્તી રહી છે અને આ નારાજગી ગમ્મે ત્યારે ભડકાનું સ્વરૂપ લઇ શકે છે. હાલ તો સતા અને શિસ્તના નામે બધુ દબાઇ ગયું છે પરંતુ જયારે પક્કડ ઢીલી પડશે ત્યારે સ્થિતિ સ્ફોટક બને તેવી પુરી શકયતા છે. ટોચના નેતાઓ પોતાનો દબદબો જાળવી રાખવા નીચેની કેડરમાં નવાને સ્થાન આપવાના નામે સતત ફેરબદલ કરી રહ્યા છે અને તેના કારણે કાર્યકરો તથા આગેવાનો અંદરખાને રોષ દબાવીને બેઠા હોય તેવી સ્થિતિ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement