ભાવનગરની ભાગોળે સાવજોએ છ ગૌવંશનો શિકાર કર્યો
મેલકડી અને મળનાથની ગીરીમાળામાં સિંહોનું ટોળુ ત્રાટકયું
માલધારીઓએ મારણ કરવા નહીં દેતા એક પછી એક ગાયોને મારી
ગીરના સાવજો હવે છેક ભાવનગરની ભાગોળે પહોંચી ગયા છે. શહેરથી માત્ર 25 કિ.મી.ના અંતરે આવેલ મેલકડી અને માળનાથની ગીરીમાળામાં સાવજાના લાંબા સમયથી ડેરા તંબુ છે અને એકલ-દોકલ મારણ કરી પેટની આગ ઠારી રહ્યા છે. પરંતુ તાજેતરના સમયમાં સાવજોની સંખ્યા વધી છે.
છેલ્લા 8-10 દિવસથી આ ડુંગરમાળામાં મારણના બનાવ વધ્યા છે. જો કે, માલધારીઓમાં જાગૃતતના અભાવે પશુઓના મારણ બાદ સાવજોને ખોરાક આરોગવા નહી દેતા હઠે ચડેલા સાવજો ઉપરાઉપરી મારણ કરતા હોવાનું તજજ્ઞોનું માનવું છે.
આજે મંગળવારે વહેલી સવારે ભંડારિયા પાસે આવેલા મેલકડીના ડુંગરમાં એક ગાય સહિત છ ગૌવંશનો સિંહોએ શિકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મેલકડીમાં ધાવડી માતાના મંદિરની આજુબાજુના વિસ્તારમાં માલધારી-પશુપાલકોના વાડા આવેલા છે જેમાં દુજણા પશુઓને રાખવામાં આવે છે. આ ઉપરાંત હાલમાં ડુંગરાઓમાં લીલોતરી હોવાથી ગામના પશુઓ પણ આ વિસ્તારમાં હાલ પડાવ નાખીને પડ્યા છે.
ગત રાતથી આજે સવાર સુધીમાં ત્રણ સાવજોએ ધાવડી માતાના પાણીના ટાંકાથી લઇને મેલકડી સુધીના વિસ્તારમાં છ ગૌવંશને પોતાનો શિકાર બનાવ્યો હતો જેના પગલે માલધારીઓમાં દેકારો બોલી ગયો છે. દુજણા પશુઓને બચાવવા માલધારીઓએ રાત ઉજાગરા શરૂૂ કર્યા છે છતાં ગીરના સાવજો સામે ગજ વાગવો મુશ્કેલ છે. એક તરફ સિંહોનું ભંડારિયાના ડુંગરમાં વિચરણ તે પ્રકૃતિપ્રેમીઓ માટે રોમાંચક બાબત બની છે તો બીજી બાજુ પશુપાલકો અને ખેડૂતો માટે કહી શકાય કે ઉપાધી આવી પડી છે.! મેલકડીના ડુંગરમાં પશુઓના મારણ સંદર્ભે વન વિભાગે દોડી જઇ મૃતક પશુઓની નોંધણી કરી માલધારીઓને વળતર માટેની કામગીરી હાથ ધરી હતી. વન વિભાગના સૂત્રો અનુસાર બે પુખ્ત નર સિંહના ફૂટમાર્ચ મળ્યા છે.