જેતપુરના બોરડી સમઢિયાળા ગામે ગાય-વાછરડીનું મારણ કરતો સાવજ
જેતપુર નજીક સિંહ આવતાં લોકોમાં રોમાંચ જાગ્યો છે. જેતપુરથી 5 કિમી.દૂર બોરડી સમઢિયાળા ગામની સીમ વિસ્તારની વીડીમાં એક ગાય અને વાછરડીનું મારણ કરતા ખેડૂતો-પશુપાલકોમાં ભય વ્યાપ્યો છે.
આ ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગ્રામજનો દ્વારા 3થી 4 જેટલા સિંહોએ ધામા નાખ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાત્રિના જેતપુરના બોરડી સમઢિયાળા ગામના સ્થાનિક શાંતિભાઈ વલ્લભભાઈ બુટાણીની વાડી નજીક આવેલ વીડી વિસ્તારમાં એક સિંહ ધસી આવ્યો હતો. તેણે ગાય અને વાછરડીનું મારણ કર્યું હતું.
હાલ વરસાદને લઈ જંગલમાં જીવજંતુઓ અને મચ્છરોના ત્રાસને કારણે સાવજો બહાર આવ્યા હોવાની ગામવાસીઓમાં ચર્ચા થઈ રહી છે. જ્યારે ખેડૂતે કપાસમાં લપાઈને બેઠેલ સિંહનો વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો. શિકારની મેજબાની માણતા આ વિસ્તારમાં સિંહોના ધામા વારંવાર જોવા જ મળે છે. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહ અને પંજવણી તેમજ તેમને હેરાનગતિ લોકો દ્વારા કરવામાં ન આવે તે માટે નજર રાખવામાં આવી રહી છે.
ખેડૂતોને સાવચેતીના ભાગરૂૂપે પોતાના પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા ગ્રામ પંચાયત ફોરેસ્ટ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં સિંહના આટાફેરાથી હાલ મોસમ ચાલી રહી છે, ત્યારે રાત્રિના સમયે ખેડૂતો વાડીએ જવાનું ટાળી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જણાવ્યા પ્રમાણે જૂનાગઢ રેન્જ નજીક હોવાથી ક્યારેક સિંહ આવી ચડે છે. મોટાભાગે ત્રણ દિવસથી વધુ સિંહ નથી રોકાણ કરતાં કારણે ફરી પાછા જૂનાગઢ રેન્જ બાજુ નીકળી જાય છે.