સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ પ્રથમ વરસાદે જ છલકાયો, 59 દરવાજા ખોલાયા
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ બપોરે 1 કલાકે 100% ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા અને ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે.
છેલ્લા બે દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસતો હોઈ શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતા તા. 17 જૂનના રોજ બપોરે એક કલાકે શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો હતો. બપોરે બે વાગ્યે શેત્રુંજી ડેમના 59 દરવાજા એક ફુટ સુધી ખોલાયા હતાં આ ઉપરાંત અન્ય ડેમોમાં બોટાદ જિલ્લાનો ઉતાવળીના બે પાટીયા એક ફુટ, ભાવનગર જિલ્લાના કાળુભારના આઠ પાટીયા એક ફુટ, ખંભાળાના ત્રણ પાટીયા ચાર ફુટ, માલણના 20 પાટીયા પાંચ ફુટ, રંઘોળાના નવ પાટીયા એક ફુટ, રાજવડના આઠ પાટીયા છ ફુટ અને અમરેલી જિલ્લાના ધાતરવડી-2ના આઠ પાટીયા છ ફુટ ખોલાયા હતાં.
શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા.
બપોરે એક વાગ્યાની સ્થિતિએ 20 ગેટ 0.30 મી. જેટલા ખોલવામાં આવ્યા હતા. જ્યારે ગેટ ખોલવાના સમયે 1800 ક્યુસેક પાણીની આવક ચાલુ હતી.