For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રના 35 ડેમ છલોછલ, 21 ઓવરફ્લો

11:52 AM Jul 24, 2024 IST | Bhumika
સૌરાષ્ટ્રના 35 ડેમ છલોછલ  21 ઓવરફ્લો
Advertisement

તંત્ર દ્વારા ડેમના હેઠવાસના ગામો અને નદીકાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરી નદીના પટ્ટમાં અવરજવર ન કરવાની સૂચના અપાઈ

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા 1થી 9 ઈંચ ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતૂર બની હતી. જેના લીધે આજે વધુ 51 ડેમોમાં વરસાદી પાણીની આવક નોંધાઈ છે. જે પૈકી 35 ડેમ છલોછલ ભરાઈ જતાં ગમે ત્યારે ઓવરફ્લો થવાની ઘડીઓ ગણાઈ રહી છે. જેની સામે 21 ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યા છે. અને રેડએલર્ટ પર મુકાયેલા 7 જળાશયોના દરવાજા એકથી 6 ફૂટ ખોલાતા હેઠવાસના ગામો અનેનદી કાંઠાના વિસ્તારોને સાવચેત કરી તંત્ર દ્વારા નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

Advertisement

સૌરાષ્ટ્રમાં ગઈકાલે 24 કલાકમાં એકથી 9 ઈંચ જેટલો વરસાદ વરસી જતાં રાજકોટ જિલ્લાના 9 જળાશયોમાં ધીંગી પાણીની આવક જોવા મળી છે. જેમાં 4 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને બે ડેમ સતત ઓવરફ્લો થયાનું સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગઈકાલે ભાદરમાં 0.43, આજી-1 0.13, આજી-3 0.40, સોડવદર 1.97, સુરવો 1.15, ન્યારી-1 0.6, ન્યારી-2 0.49, ફાડદંગ બેટી 0.33, છાપરવાડી-2 1.31 ફૂટ નવા નીર સાથે 9 ડેમમાં નવા નીર આવ્યા છે. મોરબી જિલ્લાના વધુ ત્રણ ડેમમાં નવા નીરની આવક જોવા મળી છે. જે પૈકી મચ્છુ-3 હાઈએલર્ટ પર આવતા એક દરવાજો 3 ફૂટ ખોલવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં ગઈકાલે પડેલા 2થી 4 ઈંચ વરસાદના પગલે મચ્છુ-2માં 0.16, ડેમી-1 0.86, ડેમી-2 0.16 ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે.

જામનગર જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે 15 ડેમોમાં નવા નીરની નોંધપાત્ર આવક જોવા મળી છે. જે પૈકી 8 ડેમ ફરી વખત ઓવરફ્લો થઈ રહ્યા છે. જ્યારે ત્રણ ડેમ હાઈએલર્ટ પર હોવાથી ડેમના 1થી 6 દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં ગઈકાલે મુસળધાર વરસાદના પગલે વિજરખી 1.80, ફોફળ-2 0.30, ઉંડ-1 1.12, કંકાવટી 2.72, ઉંડ-2 0.33, ફુલઝર કોબા 1.80 અને રૂપાવટી ડેમમાં 1.31 નવા નીરની આવક સાથે 15 ડેમમાં નવા નીર આવ્યા છે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે 16 ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. અને સૌથી વધુ વરસાદ દ્વારકા જિલ્લામાં પડવાથી 10 ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યા છે. જેથી તમામ ડેમ માંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. દ્વારકા જિલ્લામાં ઘી ડેમમાં 0.95, વર્તુ-2 0.92, વેરાડી-1 2.13, વેરાડી-2 6.46 તેમજ ઓવરફ્લો થયેલા તમામ ડેમોમાં સતત પાણીની આવક ચાલુ રહેવા પામી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો -2માં 0.20 ફૂટ અને અમરેલી જિલ્લામાં એક માત્ર સાકરોલી ડેમમાં 0.69 ફૂટ નવા નીરની આવક જોવા મળી છે. પોરબંદર જિલ્લાનો સોરઠી ડેમ ફરી વખત ઓવરફ્લો થયાનું સિંચાઈ વિભાગમાંથી જાણવા મળેલ છ ે.

Advertisement
Tags :
Advertisement
Advertisement