સૌરાષ્ટ્ર પાણી-પાણી: 61 તાલુકામાં 4 ઇંચ સુધી વરસ્યો
રાજ્યના 201 તાલુકામાં સચરાચર વરસાદ, ખેતરો તલાવડા બનતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રાજ્યમાં 201 તાલુકા અને સૌરાષ્ટ્રના 61 તાલુકામાં ગઇકાલે 0॥થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેમાં દ્વારકાના કલ્યાણપુર પંથકમાં 4 ઇંચ તેમજ સુરતના પરસાણા 4, કામરેજ 3॥, લખતર-વલસાડ-વાપી-સાયલા-પારડી 3 ઇંચ ખેરગામ-પોરબંદર 2॥, રાધનપુર -ચિખલી-રાણાવાવ-ધ્રોલ-પાટણમાં 2 થી 1 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેતરો તળાવ બની ગયા હતા. સતત વરસાદથી ઉભા પાકને નુકસાનીનો ભય ઉભો થતા જગતનો તાત ચિંતામાં મુકાઇ ગયો છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી મુકામ રહ્યો છે. જેમાં ગઈકાલે સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં ત્રણ ઈંચ બાદ આજે પણ સવારે વધુ 14 મીલીમીટર સાથે પોણા ચાર ઈંચ (90 મી.મી.) પાણી વરસી ગયું હતું. જેના પગલે અનેક નદી-નાળામાં ઘોડાપૂર આવ્યા હતા.
દ્વારકામાં શુક્રવારે એક ઈંચ બાદ આજે પણ સવારે ધોધમાર ઝાપટા રૂપે 16 મી.મી. પાણી વરસી જતા કુલ દોઢ ઈંચ (40 મી.મી.) વરસાદ નોંધાયો છે. આ સાથે ભાણવડમાં શુક્રવારે અડધો ઈંચ તેમજ આજે પણ બે મી.મી. સહિત કુલ 17 મી.મી. પાણી પડી ગયું હતું. ખંભાળિયામાં ગઈકાલે માત્ર 8 મી.મી. વરસાદ વરસી જવા પામ્યો હતો. અત્યારે આજે સવારે પણ હળવા ઝાપટા વરસ્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સચરાચર અને સાર્વત્રિક વરસાદથી નદીનાળા વહેતા થયા છે.
આજે પણ દિવસ દરમિયાન વરસાદી વિરામ વચ્ચે હળવા ઝાપટા વરસ્યા હતા. આજે સવારે 8 વાગ્યા સુધીમાં કલ્યાણપુર તાલુકામાં સાડા 16 ઈંચ (438 મી.મી.), દ્વારકામાં 12 ઈંચ (294 મી.મી.), ભાણવડમાં સવા 10 ઈંચ (258 મી.મી.) અને ખંભાળિયામાં 9 ઈંચ (222 મી.મી.) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાડા 12 ઈંચ (303 મી.મી.) થવા પામ્યો છે.સલાયામાં આજ વહેલી સવારથી વાદળો ઘેરાયેલ હતા.
જે 11.00 વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો.જે 1.30 વાગ્યા સુધી એકધારો વરસ્યો હતો.માત્ર અઢી કલાકમાં 2 ઇંચ જેટલું પાણી પડ્યું હતું.અને બજારોમાં પાણી વહેતા થઈ ગયા હતા. ધનસેર,નગર ગેટ,મદની ચોક, મેઈન બજાર,કસ્ટમ રોડ,મસ્જિદ ચોક જેવા વિસ્તારમાં એક થી દોઢ ફૂટ જેટલા પાણી ભરાયા હતા. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી. હાલ સાંજે વરસાદે વીરામ લીધો છે. પરંતુ બે ઇંચ જેટલો વરસાદ થતા ગરમીમાં થોડી રાહત થઈ છે.