સૌરાષ્ટ્ર યુનિ.ની છાત્રાએ જુડો ટીમ રમતમાં સિલ્વર મેડલ જીત્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુડોની રમતવીર રીતુ વાજાએ ઉતરાખંડમાં ચાલી રહેલા 38 મા રાષ્ટ્રીય રમતોત્સવમાં જુડો ટીમ રમતમાં સીલ્વર મેડલ જીત્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે આ ગૌરવની વાત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશી સાહેબે રીતુ વાજાની આ સિધ્ધિ બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. આ નેશનલ ગેમ્સમાં ભારતભરની યુનિવર્સિટીઓના રમતવીરોએ ભાગ લીધો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશી સાહેબે આ તકે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યરત છે. શિક્ષણ-સંશોધનની પ્રવૃત્તિઓ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને રમત-ગમત ક્ષેત્રમાં અગ્રેસર લઈ જવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના નિયામકશ્રી, શારીરિક શિક્ષણના અધ્યાપકો તથા કોચ દ્વારા વિદ્યાર્થીઓને જરુરી માર્ગદર્શીત પુરુ પાડવામાં આવે છે. રમત-ગમતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ઉંચી ઉડાન ભરી છે અને અનેક વિદ્યાર્થીઓએ મેડલ્સ જીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. કુલપતિશ્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગામી સમયમાં ઓલમ્પિક જેવી રમતોમાં ભાગ લઈ દેશનું નામ ઉજાગર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઘરઆંગણે રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બની અને દેવ્યાનીબા ઝાલાએ એથ્લેટિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે જે ગૌરવપૂર્ણ વાત છે. કુલપતિશ્રીએ રીતુ વાજા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડો. હરીશભાઈ રાબાને અભિનંદન પાઠવ્યા હતા.