સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેશનલ હેન્ડબોલ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ચેમ્પિયન બની
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં સૌપ્રથમવાર નેશનલ હેન્ડબોલ મેન ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ચેમ્પિયન બની છે.આ ટુર્નામેન્ટની કલોઝીંગ સેરેમની ક્રિકેટ ગ્રાઉન્ડ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કુલપતિની અધ્યક્ષતામાં યોજાઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલની ટીમ, કોચ તથા શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબાને શુભેચ્છાઓ પાઠવી હતી.આ તકે કુલપતિએ જણાવ્યું હતું કે, ઘરઆંગણે નેશનલ હેન્ડબોલ મેન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગૌરવ અનુભવે છે. ગુજરાત રાજય સરકાર પણ રમત ગમત ક્ષેત્રમાં યુવાનો ખુબ આગળ આવે એ માટે વિવિધ સુવિધાઓ આપીને રમતવીરોના કૌવતને ઉંચી ઉડાન આપવાનું કાર્ય કરી રહી છે.
આગામી ઓલ્મિપકનું પ્રતિનિધિત્વ ભારત કરનાર છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓલમ્પિકમાં ભાગ લે એવી શુભેચ્છાઓ. સૌરાષ્ટ્રના યુવાનોમાં હીર અને કૌવત રહેલું છે. મને ખુબ આનંદ થાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં આવો અવસર પ્રાપ્ત થયો છે. અંતમાં કુલપતિએ સમગ્ર શારીરિક શિક્ષણ વિભાગના કર્મચારીઓ, પી.ટી.આઈ., સમગ્ર યુનિવર્સિટી ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
આ ટુર્નામેન્ટમાં પ્રથમ ક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, બીજા ક્રમે પારુલ યુનિવર્સિટી, ત્રીજા ક્રમે બાબાસાહેબ મરાઠાવાળા યુનિવર્સિટી, ચોથા ક્રમે સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વિજેતા બની છે. હવે આ ચારેય ટીમો ઓલ ઈન્ડિયામાં રમશે.અલગ અલગ યુનિવર્સિટીઓના હેન્ડબોલ ખેલાડીઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રહેઠાણ, ભોજન, ગ્રાઉન્ડ અને ટ્રાન્સ્પોર્ટેશનની ઉતમ વ્યવસ્થાઓ કરવામાં આવી જેનો ખુબ આનંદ છે. અમે આવી સુંદર વ્યવસ્થા ક્યાય જોઈ નથી. અમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવીને ખુબ આનંદ થયો છે.