શનિવારથી સામાન્ય સભામાં નવા નિયમો, રોજકામની નકલ જોવાની ફી પ્રતિ કલાક રૂા.100
રાજકોટ મહાનગરપાલિકાની ગત તા.18/07/2024ની સામાન્ય સભામાં મંજુર કરવામાં આવેલા ઠરાવો સુધારા-વધારા સાથે રાજય સરકાર દ્વારા ગેઝેટમાં પ્રસિધ્ધ કરી દેવામાં આવતા આગામી શનિવારે મળનાર જનરલ બોર્ડમાં નવા નિયમોની અમલવાી શરૂ કરવામાં આવશે તેમ મેયર નયનાબેન પેઢડીયાની યાદીમાં જણાવાયું છે.
મહાનગરપાલિકાએ કોર્પોરેશનની રોજ કામ બુક જોવા માટે પ્રત્યેક કલાકના રૂા.બે હજાર ફી નિયત કરી હતી જે રાજય સરકારે ઘટાડીને કલાકના રૂા.100 કરી નાખી છે. પરંતુ રોજકામની કાયદા વિષયક બાબતો સભ્યો સિવાય અન્ય કોઇ માટે ખુુુલ્લી રાખી શકાશે નહીં.
આ ઉપરાંત જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ માટે દરેક અરજદારનું નામ, સરનામું, સંપર્ક સહીતની વિગતો પત્રકમાં ભરી ઓળખપત્રની પ્રમાણિત નકલ આપવાની રહેશે.
તેમજ પ્રેક્ષક ગેલેરીમાં મોબાઇલ, કેમેરા, ઇલેકટ્રોનીક ઉપકરણો, પ્લેબોર્ડ, હોર્ડીંગ, પ્લેકાર્ડ, સાઇન બોર્ડ લઇ જવાની મનાઇ ફરમાવાઇ છે. પ્રેક્ષક ગેલેેરીમાં નિયમ ભંગ સહીતની બાબતોમાં નિર્ણય લેવા અધ્યક્ષને સતા અપાઇ છે.
મહાનગરપાલિકામાં મહીલા કોર્પોરેટરોની સંખ્યા વધતા અગ્નીશામક દળમાંથી ચાર માર્શલની મેયર નિમણુંક કરે તેવો ઠરાવ કરાયો હતો. જેમાં સુધારા સાથે સરકારે અગ્નિશામક દળ કે સુરક્ષા વિભાગમાંથી કે અન્ય વિભાગમાંથી છ પુરૂષ માર્શલ તેમજ બે મહીલા માર્શલની નિમણુંક કરવાની સતા મેયરને આપવામાં આવી છે.