દેશી દારૂ વેચવાની ના પાડતાં સરપંચના ભાઈ પર ધારિયાથી હુમલો
શહેરના ગવરીદડમાં અનેકવાર દારૂના દરોડા પાડવામાં આવે છે તેમ છતાં દારૂના ધંધાર્થીઓ સુધરતા નથી ત્યારે આજે સરપંચના ભાઈ ગામમાં આવેલા સીમમાં હતા ત્યારે દેશી દારૂનો ધંધો કરતાં શખ્સે દારૂનો ધંધો બંધ કરી દેવાનું કહેતા આરોપીએ તેમને માથામાં ધારીયાનો ઘા ઝીંકી દીધો હતો. જેથી લોહીલુહાણ હાલતમાં તેઓનેં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં પોલીસે આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ મોરબી રોડ પર આવેલા ગવરીદડમાં રહેતા સરપંચ મનીષભાઈ અજાણીના ભાઈ જગદીશભાઈ રણછોડભાઈ અજાણી (પટેલ) (ઉ.55) નામના પ્રૌઢ આજે બપોરના સમયે ગામમાં આવેલી સીમમાં ગયા હતાં ત્યારે ત્યાં આરોપી ભરત વલ્લભભાઈ દેવીપૂજકને કહ્યું હતું કે તમે દેશી દારૂનો ધંધો બંધ કરી દયો. જેથી ઉશ્કેરાયેલા ભરતે ધારીયુ લઈ જગદીશભાઈના માથામાં ઝીંકી દેતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતાં. તેવામાં આજુબાજુના લોકો આવી જતાં જગદીશભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલે પહોંચી ગઈ હતી અને જગદીશભાઈનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે. જગદીશભાઈ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમજ તેઓએ આક્ષેપ કર્યો હતો કે ગામમાં આવેલી સીમમાં અનેક લોકો દેશી દારૂનો ધંધો કરતાં હોય તેઓને ઘણીવાર સમજાવ્યા તેમજ પોલીસે દરોડા પાડયા છતાં પણ આ લોકો સમજતાં ન હોય અને જેને કારણે આજે સીમમાં દારૂનો ધંધો કરતાં ભરતને ધંધો બંધ કરી દેવાનું કહેતા તેમણે હુમલો કર્યો હતો.