રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પ્રતિક એટલે સરદાર વલ્લભભાઇ પટેલ
વિર વલ્લભ વિનવું તને, શિરે નમું સરદાર, આઝાદી આપી ગયો, એ કણબીનો કુમાર
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિએ કોટી કોટી વંદન
વલ્લભભાઈ પટેલે, તેમને થયેલા અન્યાય અને ઉપેક્ષાનો સામનો દૃઢતાપૂર્વક કર્યો
સરદાર પટેલની જયંતિ એટલે તેમના દિવ્ય ગુણો-નીડરતા, દૃઢતા, સાદગી અને દેશભક્તિને જીવનમાં ઉતારવાનો પ્રસંગ
એકતા, નિર્ભરતા અને ન્યાય એ દેશની પ્રગતિ અને શાંતિ માટેનો આવશ્યક આધાર છે. સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન અને કાર્ય બતાવે છે કે દેશના સર્વોચ્ચ હિત માટે દૃઢતા, નિષ્પક્ષ ન્યાય અને સમાજસેવા માટેના દરેક પ્રયાસો અતૂટ હોવા જોઈએ.
દેશ સામેના પડકારો વચ્ચે દેશને આગળ વધારવા અને શાંતિ જાળવવા માટે એકતા, પરસ્પર નિર્ભરતા અને ન્યાય સૌથી જરૂૂરી આધારસ્તંભ છે. સરદાર પટેલના જીવનમાંથી સ્પષ્ટ થાય છે કે દેશને સાચી દિશા આપવા માટે અડગ દૃઢતા, સત્ય, ન્યાય અને સમાજસેવાનો સતત ભાવ અનિવાર્ય છે. તેઓ આપણને યાદ દેવડાવે છે કે રાષ્ટ્રની એકતાને મજબૂત બનાવવી, દરેક સમુદાય સાથે સમાનતા અને એકતાના સંબંધો જાળવવા ખૂબ જ જરૂૂરી છે. નિડરતા અને સામાજિક જવાબદારી સાથે આગળ વધવાનું, નાના મોટા તમામ લોકો સાથે સહયોગ કરવાનો તેમનો સંદેશ, વિશેષ મહત્વ ધરાવે છે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ પર તેમની કારકિર્દી, વિચારધારા અને અમલવારીમાંથી પ્રેરણા લઈને આજે પણ આપણે સ્વૈચ્છિક, મજબૂત અને સમાનતા વાદી નવા ભારત નિર્માણ તરફ આગળ વધવાની જરૂૂરિયાત ઊભી થઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલના બાળપણ વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે પરંતુ તેમના જીવનના કેટલાક એવા પ્રસંગો તેમના મજબૂત વ્યક્તિત્વ, હિંમત અને દૃઢતાનો પરિચય આપે છે. આ પ્રસંગો તેમના જીવનના પાછળના તબક્કામાં તેમણે લીધેલા નિર્ણયનો પાયો દર્શાવે છે.
હિંમત અને દૃઢતાનો પરિચય
1. જમણી બગલની ગાંઠ- પીડા અને સહનશીલતા:
આ પ્રસંગ તેમના બાળપણની સૌથી જાણીતી ઘટનાઓમાંની એક છે, જે તેમની અડગતા અને સહનશીલતા દર્શાવે છે.
બાળપણમાં વલ્લભભાઈની જમણી બગલમાં એક પીડાદાયક ગાંઠ(બામલાઈ) થઈ હતી. વૈદ્યે તેને બાળી નાખવા માટે લોઢાના સળિયાને ગરમ કરતા હતા ત્યારે વલ્લભભાઈએ જરા પણ ખચકાટ વિના પોતે જ ગરમ સળિયો હાથમાં લઈ ગાંઠ પર ચાંપી દીધો. આ જોઈને વૈદ્ય પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પ્રસંગ દર્શાવે છે કે વલ્લભભાઈ નાનપણથી જ અસામાન્ય હિંમત, સ્વ-નિયંત્રણ અને પીડા સહન કરવાની ક્ષમતા ધરાવતા હતા.
2. અન્યાય સામે અવાજ:
વલ્લભભાઈ તેમના ગામની શાળામાં અભ્યાસ કરતા હતા, ત્યારે શિક્ષક વિદ્યાર્થીઓને પૈસા લઈ પુસ્તક વેચતા હતા. વલ્લભભાઈને ખબર પડી કે આ પુસ્તક બજારમાં આનાથી સસ્તા ભાવે મળે છે, ત્યારે તેમણે શિક્ષકના આ કાર્યનો સખત વિરોધ કર્યો. વિદ્યાર્થીઓને ભેગા કર્યા અને શિક્ષક પાસેથી પુસ્તક ખરીદવાની ના પાડી. શિક્ષકે આગ્રહ કરવા છતાં, વલ્લભભાઈના વિરોધને કારણે કોઈએ પુસ્તક ન ખરીદ્યા, તેથી શિક્ષકે આખરે પુસ્તકો વેચવાનું બંધ કરી દીધું.
3. ધીરજ અને સંયમ:
વલ્લભભાઈએ મેટ્રિકની પરીક્ષા આપવા માટે તેમના ગામ કરમસદથી 45 કિલોમીટર દૂર પેટલાદ જવાનું હતું. તેઓ પગપાળા ચાલીને ગયા અને સમયસર પહોંચી ગયા. પરંતુ, પેટલાદ પહોંચ્યા પછી તેમને જાણ થઈ કે પરીક્ષાનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ છે. આ જાણીને તેમના મિત્રો નિરાશ થયા, પરંતુ વલ્લભભાઈએ ધીરજ ગુમાવી નહીં. તેમણે એક વર્ષ સુધી પેટલાદમાં રહીને તૈયારી કરી અને બીજા વર્ષે પરીક્ષા આપી. આ દરમિયાન, તેમણે પોતાનો અભ્યાસ ખૂબ જ ધ્યાનપૂર્વક ચાલુ રાખ્યો અને પરિણામે સારા ગુણ સાથે પાસ થયા.
4. નેતૃત્વ અને બુદ્ધિમત્તા:
વલ્લભભાઈ જ્યાં રહેતા હતા ત્યાં બે પક્ષો વચ્ચે એક જમીનનો વિવાદ ચાલતો હતો. આ વિવાદ એટલો મોટો હતો કે કોઈ પણ વડીલ તેનું સમાધાન કરી શકતા નહોતા. આખરે, બંને પક્ષો વલ્લભભાઈ પાસે આવ્યા, જે તે સમયે ફક્ત 12 વર્ષના હતા. તેમણે બંને પક્ષોની વાત ધ્યાનપૂર્વક સાંભળી અને પછી એક સાદો અને વ્યવહારુ ઉકેલ આપ્યો. તેમણે કહ્યું કે જમીનની વહેંચણી સરખી કરવી શક્ય નથી, પરંતુ જો બંને પક્ષો સાથે મળીને જમીન પર ખેતી કરે તો બંનેને ફાયદો થશે તેમના આ ઉકેલથી બંને પક્ષો સહમત થયા અને વિવાદનો અંત આવ્યો.આ પ્રસંગ દર્શાવે છે કે વલ્લભભાઈ નાનપણથી જ સમસ્યાઓનું મૂળ સમજીને વ્યવહારુ ઉકેલ શોધવાની ક્ષમતા ધરાવતા હતા. આ જ ગુણ તેમને રજવાડાઓનું એકીકરણ કરવામાં મદદરૂૂપ બન્યો, જ્યાં તેમણે હૈદરાબાદ અને જૂનાગઢ જેવા જટિલ મુદ્દાઓનું સમાધાન કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન દેશસેવા અને સમર્પણથી ભરેલું હતું, પરંતુ તેમના જીવનના અંતિમ વર્ષોમાં અને તેમના અવસાન પછી પણ તેમને અનેક અન્યાય અને ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો. આ અન્યાય પાછળ રાજકીય કારણો અને પંડિત જવાહરલાલ નેહરુ સાથેના તેમના મતભેદો મુખ્ય જવાબદાર હતા.
અન્યાય અને ઉપેક્ષાનો સામનો
1. વડાપ્રધાન પદની અવગણના:
1946માં જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી થઈ, ત્યારે લગભગ દરેક પ્રાદેશિક સમિતિએ સરદાર પટેલને આ પદ માટે નોમિનેટ કર્યા હતા. કોંગ્રેસના અધ્યક્ષ બનનાર વ્યક્તિ જ વડાપ્રધાન પદના મુખ્ય દાવેદાર હતા. જોકે, ગાંધીજીએ નેહરુને વડાપ્રધાન બનાવવા માટે આગ્રહ કર્યો. ગાંધીજીના આગ્રહને માન આપીને સરદાર પટેલે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી. આ એક મોટો રાજકીય અન્યાય હતો, કારણ કે તેઓ કોંગ્રેસના મોટાભાગના સભ્યોની પસંદગી હતા. આ નિર્ણયથી દેશને એક મજબૂત અને નિર્ણાયક નેતા ગુમાવવાનો વારો આવ્યો, જ્યારે પાછળથી પંડિત નેહરુ અને સરદાર પટેલ વચ્ચેના મતભેદો દેશના વહીવટી માળખા માટે પડકારરૂૂપ સાબિત થયા.
2. જમ્મુ-કાશમીર મુદ્દે મતભેદો:
જમ્મુ-કાશ્મીરનું વિલિનીકરણ અને પાકિસ્તાન સાથેના યુદ્ધના મુદ્દે સરદાર પટેલ અને નેહરુ વચ્ચે ગંભીર મતભેદો હતા. સરદાર પટેલનું માનવું હતું કે કાશ્મીરને સંપૂર્ણપણે ભારત સાથે જોડી દેવું જોઈએ અને પાકિસ્તાનના આક્રમણનો સૈન્ય બળથી જડબાતોડ જવાબ આપવો જોઈએ. નેહરુએ આ મામલે સંયુક્ત રાષ્ટ્ર (યુનો)માં જવાનું પસંદ કર્યું, જેના પરિણામે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના કબજામાં રહ્યો. આ નિર્ણયથી સરદાર પટેલ ખૂબ નારાજ હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો આ મામલો તેમને સોંપવામાં આવ્યો હોત તો તેનું સમાધાન અલગ રીતે થયું હોત. આ એક એવો અન્યાય હતો જે આજે પણ દેશ ભોગવી રહ્યો છે.
3. ચીનની ધમકીઓ પ્રત્યે ઉપેક્ષા:
1950માં સરદાર પટેલે ચીનની હિલચાલ અને ભારત માટે તેનાથી ઊભા થતા ખતરા અંગે પંડિત નેહરુને પત્ર લખ્યો હતો. તેમણે ચીન પર વિશ્વાસ ન કરવા અને તિબેટના મુદ્દે કડક વલણ અપનાવવાની સલાહ આપી હતી.નેહરુએ પટેલી ચેતવણીને અવગણી. તેમણે ચીન સાથે હિન્દી-ચીની ભાઈ-ભાઈ ની નીતિ અપનાવી, જેનું પરિણામ 1962ના ભારત-ચીન યુદ્ધમાં જોવા મળ્યું. આ યુદ્ધમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો. જો પટેલની વાત સાંભળવામાં આવી હોત તો કદાચ દેશને આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ન હોત.
4. અવસાન પછીની ઉપેક્ષા અને ભારત રત્ન આપવામાં વિલંબ:
સરદાર પટેલનું અવસાન 1950માં થયું. તેમનું અવસાન થતાં જ તેમના યોગદાનને અવગણવાની શરૂૂઆત થઈ. તેમના મૃત્યુ પછી ઘણા વર્ષો સુધી કોંગ્રેસ સરકાર દ્વારા તેમને યોગ્ય સન્માન આપવામાં ન આવ્યું.
5. હાઈ કમાન્ડ દ્વારા સતત અવગણના:
સરદાર પટેલ તેમના જીવનના અંતિમ વર્ષોમાં ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. આ સમયગાળામાં પણ તેમને સંપૂર્ણ આરામ મળ્યો નહોતો અને રાજકીય અન્યાયનો ભોગ બનતા રહ્યા. 1948માં ગાંધીજીના અવસાન પછી, કોંગ્રેસના આંતરિક રાજકારણમાં સરદાર પટેલની ઉપેક્ષા વધી ગઈ હતી. તેમના નિર્ણયો અને સલાહને અવારનવાર અવગણવામાં આવતા હતા. ઉદાહરણ તરીકે, આર્થિક નીતિઓ અને રક્ષાના મુદ્દાઓ પર તેમના અને નેહરુ વચ્ચેના મતભેદો સ્પષ્ટપણે બહાર આવ્યા હતા.આવા ઘણા પ્રસંગો દર્શાવે છે કે સરદાર પટેલ, જેમણે પોતાનું આખું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કરી દીધું, તેમને રાજકીય વિરોધ અને ઉપેક્ષાનો ભોગ બનવું પડ્યું. તેમનું જીવન માત્ર સિદ્ધિઓથી જ નહીં, રાજકીય અન્યાય અને ઉપેક્ષાઓથી પણ ભરેલું હતું એમ કહી શકાય, આજે તેમનું નામ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પ્રતીક તરીકે આદર પૂર્વક લેવામાં આવી રહ્યું છે. સરદાર વલ્લભભાઈનું જીવન સાદગી, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાનું એક ઉત્તમ ઉદાહરણ છે. સત્તા અને પ્રતિષ્ઠા મળવા છતાં પણ, તેઓ હંમેશા એક સામાન્ય માણસની જેમ સાદુ જીવન જીવ્યા. સાદગીભર્યું જીવન તેમની દીકરી મણિબેન પટેલના ત્યાગ અને સમર્પણ સાથે ગાઢ રીતે જોડાયેલું રહ્યું.
