રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર યોજાઇ સંસ્કૃત ગૌરવ પદયાત્રા
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા તા. 06 ઓગસ્ટથી તા. 12 ઓગસ્ટ સુધી આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો રાજકોટમાં મેયર નયનાબેન પેઢડીયા અને ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહની વિશેષ ઉપસ્થિતિમાં ન્યૂ એરા સ્કૂલ ખાતે શુભારંભ કરાયો હતો. તેમજ રાજકોટના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આયોજિત સંસ્કૃત ગૌરવ પદયાત્રાને મહાનુભાવોએ ઝંડી આપીને ન્યૂ એરા સ્કૂલથી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા પંચાયત ચોક સુધી યોજાયેલી આ યાત્રામાં કુલ 35 શાળાઓના આશરે 1700 વિદ્યાર્થીઓ જોડાયા હતા.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ સંસ્કૃત ગીત ભવતુ ભારતમ પર નૃત્ય, સરોજીની નાયડુ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ શાસ્ત્રીય નૃત્ય, ન્યૂ એરા સ્કૂલની વિદ્યાર્થીનીઓએ મધુરાષ્ટકમ્ સ્તોત્ર પર નૃત્ય, ધર્મેન્દ્રસિંહ આર્ટ કોલેજની વિદ્યાર્થીનીઓએ સંસ્કૃત ગરબો તથા વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણ અને અર્જુનની ભૂમિકા ભજવીને શ્રીમદ્ ભગવદ્ ગીતાના ભક્તિ યોગના શ્ર્લોકોનું ગાન કરીને પ્રેષકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. સહયોગી બેન્કના પ્રતિનિધિઓ અને શાળા સંચાલકોને મોમેન્ટો આપીને તેમનું સન્માન કરાયું હતું. મહાનુભાવોએ સંસ્કૃત સંબંધિત વસ્તુઓ અને પુસ્તકની પ્રદર્શની નિહાળી હતી. તેમજ વિદ્યાર્થીઓને સંસ્કૃત યાત્રા માટે ટોપીનું વિતરણ કરાયું હતું.આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટય અને દેવોની સ્તુતિના ગાનથી કરાયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પુસ્તકથી સ્વાગત કરાયું હતું.
જિલ્લા શિક્ષણાધિકારી દિક્ષીતભાઈ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અશોકભાઈ વાણવી, નોડેલ અધિકારી યોગેશભાઈ ભટ્ટ, ખાનગી શાળા સંચાલકો અજયભાઈ પટેલ, શ્રી જિતુભાઈ ધોળકીયા સહિત શિક્ષણ કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.