સરહદી રણમાં પાણી ભરાતાં મીઠાના ઉત્પાદનમાં બે મહિનાનો વિલંબ
2000 અગરિયા પરિવારોની રોજીરોટી પર અસર થવાની સંભાવના
બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ અને સુઈગામ તાલુકાઓને અડીને આવેલા કચ્છના રણમાં છેલ્લા કેટલાય સમયથી મીઠા ઉત્પાદન થકી લગભગ 2000 પરિવારો પોતાનો નિર્વાહ કરી રહ્યા છે. પરંતુ આ વખતે અતિભારે વરસાદમાં આવેલા ભયાનક પૂરમા આખું રણ દરિયો બની ગયું છે. અગરિયાઓ સોલાર પ્લેટો થકી મીઠું પકવે છે પણ વાવાઝોડા અને વરસાદને લીધે સોલાર પ્લેટો તૂટી ગઈ છે. વળી ટ્યુબવેલોમા પણ પાણી ભરાયેલા પડ્યા છે. મીઠાના ઢગલાઓનું પણ ધોવાણ થતાં મોટું નુકસાન થયું છે. આથી તંત્ર દ્વારા સર્વે કરી અગરિયાઓ માટે વિશેષ પેકેજ જાહેર કરવાની માંગ ઉઠવા પામી છે.
વાવ અને સુઈગામ તાલુકાઓને અડીને આવેલા કચ્છના રણમાં છેલ્લા 40 વર્ષોથી મીટું પકવવામાં આવે છે. જેમાં ખાસ કરીને સુઈગામ, જલોયા, બોરુ, મસાલી, માધપુરા, દુદોસણ વિગેરે ગામો નજીકના રણમાં લગભગ 2000 પરિવારો મીઠા પર નિર્ભર છે. જોકે આ મહિને સર્જાયેલી પૂરથી તારાજીમાં ખેતીપાકોનો સફાયો થયો છે. તમામ વિસ્તારનું પાણી રણમાં આવી જતાં રણ દરિયામાં ફેરવાઈ ગયું છે.
જેના લીધે રણમાં મીઠાના અગરમાં બનાવાયેલા ટ્યુબવેલ અને સોલાર પ્લેટોને પણ મોટું નુકસાન થયું છે. તો મીઠાના નાના મોટા ઢગલાઓનું પણ મોટા પાયે ધોવાણ થયું છે. દિવાળી આસપાસ મીઠા માટેની કામગીરી શરૂૂ થઈ જાય છે. પરંતુ અત્યારે રણમાં પાણી ભરાયેલું હોઈ બે મહિના સુધી અગરિયાઓ બેકાર બની ગયા છે. પૂરમાં અસરગ્રસ્ત તરીકે અગરિયાઓને સર્વે કરી વિશેષ પેકેજ આપવાની માંગ કરાઈ છે.
આ અંગે માધપુરાના નવીનભાઈ રાવલે જણાવ્યું કે દર વર્ષે દોઢ લાખ ટન મીઠાનું ઉત્પાદન કરી અગરિયાઓ પોતાનું આર્થિક ઉપાર્જન કરે છે. પરંતુ વિનાશક પૂરમા રણમા આવેલા અગરના સ્થળે ટ્યુબવેલ અને સોલાર પ્લેટોને મોટું નુકસાન થયું છે. જેનો સર્વે કરી પૂર સહાય આપવા અમારી રજૂઆત છે.