સાળંગપુર કષ્ટભંજન દેવને 1000 કિલો શાકભાજીનો શણગાર, અન્નકૂટ
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત બોટાદ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાત શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણા વાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના ગુરુવારના રોજ રાંધણ છઠ્ઠના પવિત્ર દિવસે સુરણ, રીંગણ, ટામેટા, શકરીયા, ગુવાર, દુધી, બીટ, મૂળા વિગેરે વિવિધ શાકભાજીનો શણગાર કરાયો તેમજ શાકભાજીની હાટડી-અન્નકૂટ ધરાવાયો.
આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.
આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, શ્રાવણ મહિનાના પવિત્ર રાંધણ છઠ્ઠના દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 1 હજાર કિલોથી વધુ વિવિધ શાકભાજીનો સિંહાસને શણગાર કરાયો છે. આ શાકભાજી વડોદરાના પાદરાથી ભક્તોએ મોકલ્યા છે. તો દાદાને શાકભાજીની થીમવાળા વિશેષ વાઘા પણ પહેરાવ્યા છે. આ વાઘા રાજકોટમાં એક ભક્તે એક અઠવાડિયાની મહેનતે બનાવ્યા છે. આ શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને ભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો. આ શાકભાજી ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરાશે...