મહાશિવરાત્રીની રવેડીમાં વિધર્મીઓની બગીઓને નોએન્ટ્રીની સંતોની માંગ
- ગિરનાર તળેટીને વેજઝોન જાહેર કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત : સંતો-મહંતોએ કાઢેલી વિશાળ રેલી
ગિરનાર મહાશિવરાત્રીના મેળાને લઈ સનાતન ધર્મ મહાસંમેલન યોજાયુ હતુ. જે મેળા દરમિયાન રવેડીમાં વિધર્મીઓની બગીઓને એન્ટ્રી નહી આપવા માગ કરાઈ હતી.જૂનાગઢના દામોદર કુંડ ખાતે મહાશિવરાત્રીના મેળાને લઈ સનાતન ધર્મ મહાસંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં સંતો મહંતો સાથે હજારો લોકો જોડાયા હતા. સંમેલન બાદ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. મહાશિવરાત્રીના મેળામાં યોગ્ય વ્યવસ્થા કરવાની સાથે મેળા દરમિયાન રવેડીમાં વિધર્મીઓની બગીઓને એન્ટ્રી નહી આપવા માગ કરી હતી.
આ ઉપરાંત દેશના અન્ય તીર્થધામોની માફક ગિરનાર તળેટીને વેજ ઝોન જાહેર કરવાની સંતો મહંતોએ વિનંતી કરી હતી. મહાશિવરાત્રીની રવેડી દરમિયાન વિધર્મીઓની બગીઓ અંગે સંતો મહંતો તપાસ કરશે. વિધર્મીઓની બગી આવ્યાની જાણ થશે અને પરત નહી જાય તો તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી દત્ત શિખર મંદિરના મહંત મહેશગીરી બાપુએ ચીમકી આપી હતી.
શિવરાત્રીના મેળામાં વિધર્મીઓની બગીનો ઉપયોગ નહી કરવા ઉપરાંત સ્ટોલ પણ નહી આપવા સંતોએ તંત્ર સમક્ષ માગ કરી હતી.મહેશગીરી જણાવ્યું કે, ગિરનાર અમારો છે, હિન્દુ ધર્મ અમારો છે, વિધર્મીઓની બગી નહીં ચાલે. અમારો ધર્મ, નિયમ પણ અમારા જ ચાલશે. મહાશિવરાત્રિ પર્વે પર બગી નહીં નીકળે, વિધર્મીઓનો સ્ટોલ ના હોવો જોઈએ. આ બન્ને માંગણી સાથે જૂના અખાડા પંચ દશનામ અખાડા તેમજ આવાહન અખાડામાં આવેદન આપી બગી ન રાખવા અપીલ કરી હતી.
મેળાને લઈને પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 130 ઈસમો સામે કાર્યવાહી
જૂનાગઢમાં આગામી 5 માર્ચથી મહાશિવરાત્રી મેળાને લઈને સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં વાહન, હોટેલ, ઢાબા, ધાર્મિક સ્થળો વગેરે જગ્યાએ ચેકીંગ કરી ઈઈઝટ ન લગાડેલ હોય, મોબાઇલ/લેપટોપની દુકાને રજીસ્ટર ન નિભાવનાર સહિત કુલ 130 ઇસમો વિરૂૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. નંબર પ્લેટ વગરના તથા આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હોય તેવા 42 વાહન ચાલકો વિરુધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે 91 મંદિરોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી છે. જૂનાગઢ પોલીસ દ્વારા કાળા કાચવાળા 31 વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. નશો કરેલા 11 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. નશો કરીને વાહન ચલાવવા બદલ 4 કેસ દાખલ કરાયા છે. ટ્રાફિકને અવરદો કરતા અને પૂર ઝડપે વાહન હંકારવા બદલ 14 કેસ કરવામાં આવ્યા છે. વિવિધ ગુનાના 24 જેટલા કેસ નોંધવામાં આવ્યા છે.
વેપારીઓની હડતાળનો અંત
તાજેતરમાં ગિરનાર પર્વત પ્લાસ્ટીક પ્રતિબંધના કડક અમલવારી સામે ગિરનારના વેપારીઓએ 4 દિવસ સંજ્જડ બંધ પાળી વિરોધ કર્યો હતો તે હડતાળનો આજે અંત આવ્યો છે,મેયર દ્વારા વેપારીઓ સાથે રાત્રીના સમયે બેઠક યોજી હતી,તો વેપારીઓ પણ ગિરનારને પ્લાસ્ટિક મુકતને લઈ સહમત થયા હતા,અને હડતાળનો અંત લાવ્યો હતો.તો બીજી તરફ ધારાસભ્ય સંજય કોરડીયાએ શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે,પ્લાસ્ટિકની વસ્તુઓનો મેળામાં તેમજ ગિરનાર પર્વત પર ઉપયોગ ના કરે. હાઈકોર્ટનાં આદેશનાં પગલે ઈકો સેન્સીટીવ ઝોન વિસ્તાર ભવનાથ તળેટી અને ગિરનાર પર્વત પર પ્લાસ્ટીકના વપરાશ અને ફેંકવા પર પ્રતિબંધનનો કડક અમલ તંત્ર હાથ ધરતા ગિરનારના વેપારી એસો.એ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ હતું.જેનો નિવાડો આવ્યો છે.જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા ગિરનાર પર્વત અને તળેટી વિસ્તારમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેના લીધે પાણીના પ્લાસ્ટિકના પાઉચ, પ્લાસ્ટિકની પાણીની બોટલો, વગેરેના વેચાણ પર પ્રતિબંધને કારણે સ્થાનિક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અને ચાર દિવસે વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો.