સગીરાના પરિવારજનો બાળકને ઉછેરશે, ગર્ભપાત માટેની અરજી પરત ખેંચી લીધી
ગર્ભપાત માટેની થતી અરજીઓમાં સામાન્ય રીતે મંજૂરી અપાતી હોય અથવા તો અરજી રદ થતી હોય. પરંતુ હાઇકોર્ટ સમક્ષ 17 વર્ષીય સગીરાના ગર્ભના ગર્ભપાત માટેની અરજી પરત ખેંચી લેવામાં આવી છે. આ કેસમાં એવો વળાંક જોવા મળ્યો છે કે પિતાએ હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું કરીને કોર્ટને જણાવ્યું છે કે તેમની પુત્રી બાળકને જન્મ આપશે અને આ બાળકનો ઉછેર કુટુંબના સભ્યો જ કરશે.
ગાંધીનગરની એક સગીરાના પિતાએ સગીરાના 24 સપ્તાહથી વધુના ગર્ભના ગર્ભપાતની મંજૂરી માગતી અરજી હાઇકોર્ટ સમક્ષ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ સગીરા 16 વર્ષ અને 11 મહિનાની છે. જેની સાથે અત્યાચાર થયો છે અને દુષ્કર્મ જેવું જઘન્ય કૃત્ય થયું છે. આરોપી સામે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર, 2024માં દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. એટલું જ નહીં સગીરા સાથે દુષ્કર્મ પહેલાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
સગીરાના ગર્ભપાત માટે ગાંધીનગર કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ 24 સપ્તાહ કરતા દિવસો વધી ગયા હોવાથી ગાંધીનગર કોર્ટે મેડિકલ રિપોર્ટના આધારે તે અરજી રિજેક્ટ કરતા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટે અમદાવાદની સિવિલ હોસ્પિટલને સગીરાનું મેડિકલ ચેકઅપ કરીને રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા. સોમવારે આ કેસમાં અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલનો મેડિકલ રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવાનો હતો. જો કે કોર્ટને જણાવાયું હતું કે સગીરા અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે હાજર છે, પરંતુ મેડિકલ ચેકઅપ કરાવવા માગતી નથી. તેના પરિવારના લોકો બાળકને જન્મ આપવા માગે છે. સગા અને મિત્રો સાથેના વિચાર વિમર્શ બાદ પરિવારે નિર્ણય લીધો છે કે તેઓ બાળકને જન્મ આપીને ઉછેર કરશે. સગીરાના પિતાએ આ સંદર્ભે સોગંદનામું પણ કર્યું હતું.