મહેસાણા જિલ્લામાં 9 માસમાં 341 સગીરાઓ ગર્ભવતી
13થી 17 વર્ષની વયે ગર્ભધારણના કિસ્સા સમાજ માટે લાલબત્તી સમાન
મહેસાણા જિલ્લામાં સગીર વયની દીકરીઓના ગર્ભવતી થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આરોગ્ય વિભાગના રિપોર્ટ મુજબ એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025 સુધીના સમયગાળામાં એટલે કે 9 મહિનામાં કુલ 341 સગીર દીકરીઓ ગર્ભવતી હોવાનું નોંધાયું છે.
આ આંકડાઓની વિગતો તપાસતા જાણવા મળ્યું છે કે, 13થી 17 વર્ષની વયજૂથની આ સગીરાઓમાં 14 વર્ષની 2, 15 વર્ષની 34, 16 વર્ષની 76 અને સૌથી વધુ 17 વર્ષની 229 દીકરીઓનો સમાવેશ થાય છે. નાની વયે ગર્ભધારણના આ કિસ્સાઓ સમાજ માટે ખરેખર લાલબત્તી સમાન છે.
મહેસાણા જિલ્લાના તાલુકાવાર વિગતો જોઇએ તો સૌથી વધુ કિસ્સા કડીમાં 88 અને ત્યાર બાદ મહેસાણામાં 80 સગીરાઓ ગર્ભવતી હોવાનું નોંધાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ સગીરાઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી છે અને જરૂૂરી આરોગ્યલક્ષી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સગીરાઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યને ધ્યાનમાં રાખી આ ગંભીર મુદ્દા પર સામાજિક જાગૃતિ અને કાયદાકીય પગલાંની જરૂૂરિયા ઊભી થઈ છે.
આમ મહેસાણા જિલ્લામાં કુલ 22,812 સગર્ભા મહિલામાંથી 341 સગર્ભા દીકરીઓ સામે આવી છે. જેમાં 14 વર્ષની 2, 15 વર્ષની 34, 16 વર્ષની 76, 17 વર્ષની 229 દીકરીઓ સગર્ભા હોવાનું સામે આવ્યું છે. તો બીજી બાજુ 18 વર્ષની 588 અને 19 વર્ષની 852 યુવતીઓ સગર્ભા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી આ મામલે એ સામે આવ્યું નથી કે, આ તમામ બાળાઓના લગ્ન થયા છે કે નહીં. હાલમાં આરોગ્ય વિભાગ પાસે એ માહિતી ઉપલબ્ધ ના હોવાનું પણ સામે આવ્યું છે.
આ આંગે ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ઘનશ્યામ ગઢવીએ જણાવ્યું હતું કે, નાની ઉંમરે ગર્ભવતી બાળાઓ નોંધાઈ છે. જેમની અગઈ તરીકે નોંધણી કર્યા પછી એમની તકેદારી આરોગ્ય ટીમ દ્વારા લેવામાં આવે છે. તેમજ ન્યુટ્રિશિય કીટ પણ આપવામાં આવે છે. કારણ કે, બાળાઓની ઉંમર ઓછી છે એટલે વજન પણ ઓછું છે. આ લોકોની નોંધણી માત્ર સગર્ભા મહિલા તરીકે કરી છે. લગ્ન થયા છે કે નહીં તે તપાસનો વિષય છે.
કયા તાલુકામાં કેટલી સગીરાઓ પ્રેગનેન્ટ
કડી 88
મહેસાણા 80
વિજાપુર 28
વિસનગર 26
વડનગર 24
સતલાસણા 23
ઉંઝા 20
ખેરાલુ 19
બેચરાજી 17
જોટાણા 16