સાગઠિયાનું બંધ લોકર ખાલી નીકળ્યું, ACBની સીટ હવે જેલમાં પૂછપરછ કરશે
એસીબીના અપ્રમાણસર મિલ્કતના કેસમાં પૂર્વટીપીઓ મનસુખ સાગઠિયાની રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. અપ્રમાણસર મિલ્કત પ્રકરણની તપાસ માટે લાંચ રૂસ્વત વિરોધી બ્યુરો દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હોય જેલ હવાલે કરાયેલા સાગઠિયાની બેન્ક ડિટેલ અને લોકર અંગેની તપાસ કરવામા આવતા લોકર ખાલી મળ્યું હતું અને કશુ હાથ લાગ્યું નથી.
એસીબીએ આ મામલે હજુ પણ તપાસ જારી રાખી છે. અને જરૂર જણાશે તો જેલમાં રહેલા પૂર્વ ટીપીઓ એમ.ડી. સાગઠિયાની કોર્ટની મંજુરીથી જેલમાં પુછપરછ કરવામાં આવશે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, પૂર્વ ટીપીઓ મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયાને સાથે રાખી તેના ભાઈની માલીકી અને તેના કબ્જાની 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ ટ્વીન ટાવરની ઓફિસમાં એસીબીએ સર્ચ કરતા 22 કિલોના 15 કરોડની કિંમતના દાગીના તથા બે લાખના ચાંદીના દાગીના સહિત રૂા. 18.18 કરોડનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સાગઠિયા પાસેથી કબ્જે કરેલા દાગીના બાબતે રાજકોટના ત્રણ ઝવેરીઓની પણ પુછપરછ કરવામાં આવી હતી.. સાગઠિયાની રિમાન્ડ ઉપર પુછપરછ સાથે આ મામલે એસીબીના વડા દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવવામાં આવી હોય જે સાગઠિયાની બેનામી મિલ્કતો અને તેની સાથે સાઠગાઠ ધરાવતા શખ્સોની તપાસ કરી રહી છે.
પૂર્વ ટીપીઓ સાગઠિયાના એસીબીએ માંગેલા રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. અને હવે આ મામલે તપાસ દરમિયાન જો જરૂર જણાશે તો સાગઠિયાની કોર્ટની મંજુરીથી જેલમાં જ પુછપરછ કરવામાં આવશે. બેન્ક લોકરની ચાવી ખોવાઈ ગઈ હોય જે બેન્કની મંજુરીથી નવી ચાવી બનાવવામાં આવ્યા બાદ લોકર ખોલવામાં આવતા સાગઠિયાએ બેન્ક લોકરમાં કશુ રાખ્યું ન હોય જેથી બેન્ક લોકર ખાલી મળ્યું હતું.