સાગઠિયાએ 11 વર્ષ કોની કૃપાથી ઈન્ચાર્જ TPO તરીકે કટકટાવ્યું?
સ્થાનિકથી માંડી ઉપર સુધી સેટિંગ…સેટિંગ અને સેટિંગ, કાયમી ટીપીઓ બનાવવામાં પણ નીતિ-નિયમો નેવે મુકાયા
રાજકોટનાં ટીઆરપી અગ્નિકાંડે સરકારી તંત્રની ભ્રષ્ટનીતિની પોલ ખોલી નાખી છે ત્યારે ટીઆરપી અગ્નિકાંડની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ ભ્રષ્ટ સરકારી બાબુઓના ભ્રષ્ટાચાર ઉજાગર થવા લાગ્યા છે જેમાં ટાઉન પ્લાનીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતાં મનસુખ સાગઠીયાની ધરપકડ થયા બાદ તેના ભ્રષ્ટાચારો બહાર આવતાં તેની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીજી બાજુ મનસુખ સાગઠીયાની ભરતી જ ગેરકાયદેસર હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 11 વર્ષ સુધી સાગઠીયાએ કોની કૃપાથી ઈન્ચાર્જ ટીપીઓ તરીકે કટકટાવ્યું ? તેવી વાતો વહેતી થઈ છે ત્યારે આ બાબતે જો ઉંડાણપૂર્વક તપાસ થાય તો અનેક આકાઓના પગ નીચે રેલો આવે તેમ છે. જેના કારણે ભાજપના આગેવાનો ‘તેરી ભી ચુપ મેરી ભી ચુપ’ની નીતિ અપનાવી રહ્યાં છે.
રાજકોટના નાનામવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી તેમાં 27 માનવ જીંદગી ઓલવાઈ ગઈ હતી. આ ટીઆરપી અગ્નિકાંડમાં ભ્રષ્ટ સરકારી બાબુઓની નીતિ બહાર આવતાં પોલીસ દ્વારા મહાનગર પાલિકાના ટીપીઓ મનસુખ સાગઠીયા, ફાયર બ્રિગેડના અધિકારી ઠેબા સહિતના અનેક સરકારી બાબુઓની ધરપકડ કરી છે.
બીજી બાજુ ટીપીઓ મનસુખ સાગઠીયા અને ફાયર બ્રિગેડના અધિકારી ભીખાભાઈ ઠેબા પાસેથી તેમની આવક કરતાં વધારાની મિલકત મળી આવતાં તેમની સામે અપ્રમાણસર મિલકતનો એન્ટી કરપ્શન બ્યુરોએ ગુનો દાખલ પણ કર્યો છે જેમાં ગઈકાલે ટીપીઓ સાગઠીયાની ટવીન ટાવરમાં આવેલી ઓફિસના સીલ ખોલી તપાસ કરતાં અધધધ.. 18 કરોડના સોના -ચાંદીના દાગીના અને રોકડ મળી આવ્યા હતાં. આમ ટીપીઓ મનસુખ સાગઠીયાની બેનામી સંપત્તિનો આંક 25 કરોડને આંબી ગયો છે. જે રાજકોટમાં પહેલી વખત કોઈ સરકારી બાબુની આવી મોટી બેનામી મિલકત બહાર આવી હોય તેવી પ્રથમ ઘટના છે.
મનસુખ સાગઠીયા તા.1-2-2012નાં રોજ ટાઉન પ્લાનીંગ શાખામાં ઈન્ચાર્જ ટીપીઓ તરીકે નિમણૂંક થઈ હતી. જે નિમણૂંક 6-7-2023 સુધી ઈન્ચાર્જ ટીપીઓ તરીકે રહી હતી અને ત્યારબાદ તેમની નીતિ નિયમો અને ધારા ધોરણો નેવે મુકીને કાયમી ટીપીઓ તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું. 11 વર્ષ સુધી ઈન્ચાર્જ ટીપીઓ તરીકે કોની કૃપાથી બેફામ ભ્રષ્ટાચાર કર્યો તે મુદ્દે ચર્ચાની એરણએ ચડયો છે. ભાજપના ચાર હાથ હોવાના કારણે ઈન્ચાર્જ તરીકે રહેલા મનસુખ સાગઠીયાએ ભ્રષ્ટાચારમાં આડો આંક વાળ્યો હતો.
ટીપીઓ મનસુખ સાગઠીયાના ભ્રષ્ટાચારો બહાર આવ્યા છે ત્યારે મનસુખ સાગઠીયા પર જેના ચાર હાથ હતા તેવા ભાજપના આકાઓના નામ બહાર આવશે કે પછી ભીનુ સંકેલાઈ જશે ? તે મુદ્દે અત્યારે ગરમાઈ રહ્યો છે. એક વાત એવી પણ જાણવા મળી છે કે સાગઠીયાની ટીપીઓ તરીકે ભરતી જ ગેરકાયદેસર હતી. ખાતાકીય ભરતીમાં 45 વર્ષની ઉંમરનો નિયમ હોવા છતાં 55 વર્ષના સાગઠીયા પાસેથી કરોડો રૂપિયા કટકટાવી ટીપીઓના હોદ્દાની ભેટ ધરી દેવામાં આવી છે. જો આ પ્રકરણ બહાર આવે તો રાજકોટથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓ અને ભાજપના આકાઓના પગ નીચેથી જમીન સરકી જશે તેમાં બે મત નથી.
સાગઠિયાને ટીપીઓ બનાવવા નિયમો જ બદલી નાખ્યા
રાજકોટ મહાનગરપાલિકામાં ઈન્ચાર્જ ટીપીઓ મનસુખ સાગઠીયાને કાયમી ટીપીઓ બનાવવા માટે નીતિ નિયમો બદલાવી નાખવામાં આવ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. કાયમી ટીપીઓની ભરતી માટે કોર્પોરેશનના કોઈ અધિકારીની નિમણૂંક કરવાનો સીલેકશન કમીટીએ નક્કી કરી તેના ફોર્મ બહાર પાડયા હતાં જેમાં એક માત્ર ઈન્ચાર્જ ટીપીઓ મનસુખ સાગઠીયાએ જ દાવેદારી કરી હતી અને તેની દાવેદારીને પીળો પરવાનો આપી દેવામાં આવ્યો હતો જેના માટે તમામ નીતિ નિયમો નેવે મુકી દીધા હતાં.
ભાજપ નેતાઓની મુલાકાત અંગે તાપસ માંગતા ગાયત્રીબા વાઘેલા
રાજકોટમાં ભાજપના ટોચના નેતા અને કોર્પોરેટર કસ્ટડીમાં રહેલા મનસુખ સાગઠિયાને મળવા માટે ગયા હતા. આ મુલાકાત અંગે પણ સવાલ ઉભા થયા છે. પોલીસ કસ્ટડીમાં રહેલા સાગઠિયાની સાથે ભાજપનેતાઓ વચ્ચે શું વાતચીત થઇ? પદાધિકારી કે મોટા નેતાનું નામ સાગઠિયા ના આપે કે નિવેદનમાં બોલી ન જાય એ માટે મળ્યા હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ પહેલા જીગ્નેશ મેવાણીએ પમ ભાજપના એક પૂર્વ ધારાસભ્ય અને મનસુખ સાગઠિયા વચ્ચે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ કોંગ્રેસે આ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ તપાસની માંગ કરી છે.
આકાઓના ચાર હાથ હોવાના કારણે સાગઠિયાએ ભ્રષ્ટાચારમાં આડો આંક વાળ્યો; હવે આકાઓના નામ ખુલશે કે ભીનું સંકેલાઈ જશે