ઉપલેટામાં સુપર માર્કેટ શોપિંગ સેન્ટરમાં જમીન બેસી જતા દોડધામ
ચોમાસા દરમિયાન જાહેર રોડ રસ્તા કે અન્ય ઘણી જગ્યાઓએ જમીન બેસી જવાની મોટા મોટા ભુવા (ખાડા) પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ઉપલેટા શહેરના જાહેર રાજમાર્ગ પર આવેલ સુપર માર્કેટ નામના શોપિંગ સેન્ટરમાં મોડી રાત્રે જમીન બેસી જવાથી મોટો ભૂવો (ખાડો) પડ્યો હતો જેને લઈને વેપારીઓમાં પણ ભય પેદા થયો હતો. ઉપલેટા શહેરના રાજમાર્ગ, બડા બજરંગ રોડ અને સિંધી માર્કેટ રોડ એમ ત્રણ બાજુથી જવાતા અને બંબાગેટ પાછળ આવેલ સુપર માર્કેટ નામના ચાલીસેક જેટલી અલગ અલગ ધંધાની દુકાનો ધરાવતા શોપિંગ મોલમાં મોડી રાત્રિના શિવ શક્તિ પ્લાસ્ટિક અને કોહીનુર ઝેરોક્ષ નામની દુકાનો વચ્ચેના રસ્તામાં મોટો ભુવો (ખાડો) પડતા વેપારીઓમાં કુતુહલ સર્જાયું હતું. મોડી રાત્રિના બનાવ બનેલો હોવાથી કોઈ નુકસાની કે જાનહાની ટળી હતી.
શિવ શક્તિ પ્લાસ્ટિક વાળા વેપારી હિરેનભાઈ સોજીત્રાના જણાવ્યા અનુસાર અહીંયા ઘણા વર્ષ પહેલા મોટું મકાન હતું જે ત્રણેય રસ્તા પર લાગુ પડતું હતું જેને એક બિલ્ડરે ખરીદીને અહીંયા સુપર માર્કેટ નામનો એક જબરદસ્ત શોપિંગ મોલ બનાવેલ જેમાં અલગ અલગ ધંધાર્થીના વેપારીઓએ આ દુકાનો ખરીદી હોય.
જ્યાં ભુવો (ખાડો) પડ્યો ત્યાં એક ઝાઝરું જવા માટેનું મોટું હજમ હોવાનું સામે આવ્યું છે જેમાં ઉપરથી મોટા પથ્થરોથી સ્લેપ જેવું બનાવેલ હોય. બનાવના દિવસે સવારથીજ જમીનમાં નાનું એક ગાબડું (ભુવો) પડેલ જે ધીમે ધીમે વર્તુળાકારે મોટી તિરાડમાં પરિવર્તિત થઈ ગયેલ પરંતુ દિવસના વેપારીઓએ પોતાના મોટરસાયકલ અને મોટા મોટા વસ્તુઓ માટેના ખોખાઓ રાખી રસ્તો બંધ કરેલ હતો જેથી વેપારીઓની આ દિર્ધ દ્રષ્ટિથી જાનહાની કે નુકસાની ટળી હતી.