સગપણ તોડવા મુદ્દે પ્રૌઢ પર પુત્રના ત્રણ સાળાનો ધોકા વડે હુમલો
ચોટીલામાં બનેલી ઘટના : પ્રોૈઢને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા
ચોટીલામાં આવેલા મફતીયાપરા વિસ્તારમાં રહેતાં આધેડ સાથે પુત્રના ત્રણ સાળાએ સગપણ તોડી નાખવા મુદ્દે ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલામાં આવેલા મફતીયાપરામાં રહેતા મનુભાઈ માલાભાઈ ચાવડા નામના 45 વર્ષના પ્રૌઢ બપોરના સમયે જોલી એન્જોય ટોકીઝ પાસે હતાં ત્યારે રઘુ પરમાર, રાકેશ પરમાર અને અરવિંદ પરમાર નામના શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. પ્રૌઢને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
હુમલાખોર ત્રણેય શખ્સોની બહેન સાથે ઈજાગ્રસ્ત પ્રૌઢનાં પુત્રની સગાઈ થઈ હતી. જે સગપણ તોડી નાખવાનું કહી ત્રણેય શખ્સોએ પૌઢ ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
