રામનાથ મંદિર પાસે બેરીગેટમાં PCR ઘૂસી જતા બબાલ
પોલીસે રોફ જમાવ્યાનો ભાજપ અગ્રણી જીતુ મહેતાનો આક્ષેપ, જાણી જોઈને ભૂલ થઈ ન હતી, છતાં ઠપકો આપવામાં આવ્યો છે: ડીસીપી બાંગરવા
રાજકોટ શહેરના લાખોલોકોના આસ્થાના પ્રતિક એવા સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર ખાતે હાલ શ્રાવણ માસ દરમિયાન ભકતોનું ઘોડાપુર જોવા મળે છે ત્યારે ગઈકાલે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે રામનાથ મહાદેવ મંદિર પાસે પોલીસ દ્વારા લગાડેલા બેરેગેટમાં જ્યાં ભારે વાહનોને પ્રવેશબંધી છે ત્યાં એ-ડીવીઝન પોલીસ મથકની પીસીઆર વાન ઘુસી જતાં મામલો બીચકયો હતો અને બબાલ થઈ હતી. આ વિસ્તારનાં ભાજપ અગ્રણી જીતુ મહેતા અને પીસીઆર વાનના સ્ટાફ વચ્ચે થયેલ માથાકુટ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે આ મામલો પહોંચ્યો હતો. જો કે અંતે પીસીઆરના સ્ટાફે પોતાની ભુલ સમજાતાં પીસીઆર પાછી લઈ લીધી હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
સ્વયંભુ રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભારે ભીડ થતી હોય જેના કારણે પોલીસ દ્વારા ટ્રાફીક વ્યવસ્થાના ભાગરૂપે રામનાથ મહાદેવ મંદિરથી થોડે દૂર બેરીગેટ લગાવી વાહનોની પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. જેના કારણે દર્શને આવતાં દર્શનાર્થીઓને કોઈ અગવડતાં ન પડે તે ગઈકાલે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભારે ભીડ વચ્ચે એ-ડીવીઝન પોલીસ મથકની પીસીઆર વાહન આ બેરીગેટ ખોલીને અંદર ઘુસી હતી. જેનો કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો. તે વખતે હાજર ભાજપ અગ્રણી જીતુ મહેતા અને અન્ય ભકતોએ આ બાબતે પીસીઆર વાનના ચાલક સાથે માથાકુટ કરી હતી. જે ઘટનાનો વિડિયો વાયરલ થયો હતો.
આ મામલે ભાજપ અગ્રણી જીતુ મહેતાએ આક્ષેપ કર્યો હતો કે પીસીઆરના સ્ટાફે ધરાર બેરીગેટ ખોલીને પીસીઆર અંદર ઘુસાડીને રૌફ જમાવ્યો હતો અને સમજાવવા છતાં તે માન્યા ન હતાં. આ ઘટનાથી સ્વયંભુ રામનાથ મહાદેવ મંદિરનાં ભકતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સત્તાનો રોફ જમાવી પીસીઆરના વજુભાઈ નામના કર્મચારીએ ભયનો માહોલ ઉભો કર્યાનો આક્ષેપ કર્યો હતો.આ મામલે ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા તથા એ-ડીવીઝન પોલીસ મથકના પીઆઈ બોરીસાગર સાથે વાતચીત કરતાં ડીસીપીએ જણાવ્યું હતું કે, સીપીઆરના સ્ટાફે જાણી જોઈને પીસીઆર ઘુસાડી ન હતી. તેમને આ બાબતે ભૂલ સમજાતાં પીસીઆરને પાછી લઈ લીધી હતી.
છતાં પણ સ્ટાફને આ મામલે ઠપકો આપવામાં આવ્યો છે. એ ડીવીઝનના પીઆઈ બોરીસાગરે જણાવ્યું કે, રામનાથ મહાદેવ મંદિર ખાતે ભીડનો લાભ લઈ કેટલાક ખીસ્સા કાતરુંઓ સક્રિય થયા હોય અને પાકીટ તેમજ મોબાઈલ ચોરીના બનાવો અંગેની ફરિયાદ મળતાં પીસીઆરનો સ્ટાફ તપાસ અર્થે ગયો હતો અને કોઈ માથાકુટ કે બળજબરી કરી નથી.