આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે કાલથી ચાર દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માન સર કાર્યવાહ દત્તાત્રેય હોસબોલે તા. 11થી 15 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના સન 1925માં વિજયાદશમીના દિવસે થઈ હતી. હાલમાં સૌરાષ્ટ્રમાં સંઘ દ્વારા વિવિધ સ્થળોએ વિજયાદશમી ઉત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે માન સરકાર્યવાહજીની ઉપસ્થિતિ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો સંચાર કરશે.
હોસબોલેજી અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત જામનગર ખાતે વિજયાદશમી ઉત્સવમાં આવી રહ્યા છે. તેઓ 12મી ઓક્ટોબરે શનિવારે જામનગરના વિજયાદશમી ઉત્સવમાં જોડાશે અને જાહેર વક્તવ્ય આપશે. આ ઉદબોધનનો લાભ લેવા માટે સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હોસબોલેજી પ્રવાસ દરમિયાન જામનગરમાં વિદ્યાર્થી તેમજ વ્યવસાયી શાખાની મુલાકાત લેશે. આ સાથે સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારીઓ- કાર્યકર્તાઓ સાથે બેઠક કરી માર્ગદર્શન આપશે તેમજ દ્વારકા તથા બેટ દ્વારકા દર્શન કરી પ્રસ્થાન કરશે. આગામી વર્ષ 2025 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ તરીકે ઉજવવાનું નિશ્ચિત થયું છે, ત્યારે સરકાર્યવાહજીના પ્રવાસને લઈને સ્વયંસેવકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રા.સ્વ. સંઘની અખિલ ભારતીય યોજના મુજબ, દર બે વર્ષે સંઘના પૂજ્ય સરસંઘચાલકજી અને સર કાર્યવાહજીના પ્રવાસ દેશના વિવિધ પ્રાંતમાં ગોઠવાતા હોય છે. આ યોજના અંતર્ગત શ્રી દત્તાત્રેયજી હોસબોલે સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. એમ રાજકોટમાં રાષ્ટ્રીય શાળામાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં મુકેશ મલકાણ, સંઘ સંચાલક (સૌરાષ્ટ્ર ખાતે) દ્વારા જણાવ્યું હતું.