For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાયબર ફ્રોડમાં ગુમાવેલ રૂા.7.23 કરોડની રકમ અને રૂા.1.39 કરોડના મોબાઈલ પરત અપાવ્યા

04:18 PM Aug 02, 2024 IST | Bhumika
સાયબર ફ્રોડમાં ગુમાવેલ રૂા 7 23 કરોડની રકમ અને રૂા 1 39 કરોડના મોબાઈલ પરત અપાવ્યા
Advertisement

રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસની છેલ્લા દોઢ વર્ષની કામગીરી : અલગ-અલગ રીતે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા 14845 લોકોએ કરેલી અરજીના આધારે કાર્યવાહી

રાજકોટ સહિત ગુજરાતભરમાં દરરોજ અનેક લોકો સાયબર માફીયાઓનો ભોગ બની ઓનલાઈન લાખો કરોડો રૂપિયા ગુમાવે છે ત્યારે રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ ટીમે છેલ્લા દોઢ વર્ષમાં રાજકોટ વાસીઓએ ઓનલાઈન છેતરપીંડીમાં ગુમાવેલ રૂા.7.23 કરોડની રકમ તેમજ ચોરી તથા ખોવાયેલા રૂા.1.39 કરોડના મોબાઈલ પરત અપાવ્યા છે. પોલીસની ‘તેરા તુજ કે અર્પણ’ની આ કામગીરીથી રાજકોટવાસીઓ પોલીસની કામગીરીની પ્રશંસા કરી રહ્યાં છે.

Advertisement

ઓનલાઈન વધી રહેલી છેતરપીંડીમાં રાજકોટ શહેરની જનતાએ કરોડો રૂપિયા ગુમાવ્યા હોય જેની અલગ અલગ ફરિયાદો સાયબર ક્રાઈમ તેમજ પોલીસ સ્ટેશનમાં થઈ હતી. રાજકોટમાં ઓનલાઈન છેતરપીંડીના આંકડાઓ અંગેની માહિતી ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે પત્રકારોને આપી હતી. જેમાં જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં વર્ષ 2023માં ઓનલાઈન છેતરપીંડીની 7783 અરજીઓ થઈ હતી. તેમજ જૂન 2024 સુધી 7062 અરજીઓ પોલીસને મળી હતી. આ કુલ 14845 અરજીઓમાં સાયબર ક્રાઈમ પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરી ઓનલાઈન ગુમાવેલી રકમ પરત અપાવી હતી. જેમાં વર્ષ 2023માં 7783 અરજદારોની રૂા.3,44,22,510 અને 30 જૂન 2024 સુધી 7062 અરજદારોની રૂા.3,79,47,105 જેટલી રકમ પરત અપાવી હતી. જ્યારે વર્ષ 2023માં ખોવાયેલા અને ચોરાયેલા કુલ રૂા.72,12,325ની કિંમતના 562 મોબાઈલ તેમજ 30 જૂન 2024 સુધીના રૂા.67,59,572ની કિંમતના 403 મોબાઈલ પોલીસે પરત અપાવ્યા હતાં.

ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું કે, નવી પોલીસી મુજબ હવે અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દેશ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જેમાં છેરતપીંડીની રકમ જે બેંક એકાઉન્ટમાં થતી હતી તે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાના બદલે હવે માત્ર જેટલી રકમ છેતરપીંડીથી જમા થઈ હશે તે ચોકકસ રકમ જ ફ્રીઝ કરવામાં આવશે આ નિર્ણયથી જેનું આખુ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે તેમની પડતી મુશ્કેલી ઓછી થશે.

ઓનલાઈન વધતી જતી છેતરપીંડીમાં મોટાભાગે ફેક આઈડેન્ટીટી ફ્રોડ, ઈન્વેસ્ટમેન્ટ, ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, ઓનલાઈન શોપીંગ, લોન એપ્લીકેશન ફ્રોડ, લીંક દ્વારા ફ્રોડ, જોબ ફ્રોડ, સોશ્યલ મીડિયા અને ફેક ફેસબુક આઈડી ફ્રોડ, ન્યુડ વિડિયો કોલ ફ્રોડ, બ્લેક મેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ફ્રોડ, ગીફટ અને લોટરી તેમજ કેવાયસી અને કેસ બેકના નામે સાયબર માફીયાઓ લોકો સાથે છેતરપીંડી કરતાં રહે છે જેમાં પોલીસ પણ આવા સાયબર માફીયાઓને નેસ્તનાબૂદ કરવા સજ્જ થઈ છે.

ઓનલાઈન છેતરપિંડી માટે ઝાળ બિછાવતા સાયબર ગઠિયાઓથી સાવધ રહેવા અપીલ

પત્રકાર પરિષદમાં ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે રાજકોટ વાસીઓને ઓનલાઈન છેતરપીંડીનો ભોગ નહીં બનવા અને સતર્ક રહેવા અપીલ કરી છે. ખાસ કરીને સાયબર માફીયાઓ અલગ અલગ રીતે લોકોને ફસાવવા માટે જાળ બીછાવતાં હોય જેથી લોકોને આ પ્રકારનાં ફ્રોડ બાબતે જાગૃત રહેવા અને તકેદારી રાખવા અપીલ કરી છે. તેમજ આવા છેતરપીંડીનો ભોગ બનેલા કોઈપણ વ્યક્તિએ રાજકોટ શહેર પોલીસ, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અથવા હેલ્પલાઈન નંબર 1930 ઉપર એાનલાઈન ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement