રાજકોટની સલ્ફર વેચતી કંપની સાથે રૂપિયા 4.78 કરોડની છેતરપિંડી
રાજકોટ નજીક રામપર બેટીમાં સલ્ફરનું વેચાણ કરતી કંપની સાથે સલ્ફર વેચવાના નામે રૂા.4.78 કરોડની છેતરપીંડી થતાં આ મામલે ગાંધીધામના દલાલ અને દિલ્હીની બે મહિલા સહિતની ઠગ ટોળકી સામે એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રામપર બેટી પાસે આવેલા આર.કે.ઈન્ડસ્ટ્રીઝ પાર્કમાં કે.એન.કોર્પોરેશન પ્રા.લીમીટેડ નામની સલ્ફરનું વેચાણ કરતી કંપનીના મેનેજર જામનગરના શાપર ખાતે રહેતા પ્રવિણભાઈ બગડાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિલ્હીની મહિલા ચંચલ રાની શર્મા તથા માયાદેવી શર્મા તેમજ કપીલ શર્મા, વિશ્ર્વમ શર્મા અને ગાંધીધામના દલાલ પરાગ કિરીટ દેસાઈનું નામ આપ્યું છે. પ્રવિણભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની કંપની સલ્ફરનું વેચાણ કરતી હોય આ ટોળકીએ એક વર્ષ પૂર્વે સલ્ફર ગ્રેન્યુઅલ દાણા વેચવા માટે આવ્યા હતાં અને જે માલ બતાવીને દલાલ પરાગે તેના વેપારી મિત્ર વિશ્ર્વશર્મા કે જે દિલ્હીની કંતિકા ઈનપોર્ટ એકસપોર્ટ કંપની ચલાવતો હોય તેને આ સલ્ફર ખરીદવાનું હોવાની વાત કરી હતી.
10 મેટ્રીક ટન સલ્ફર ગ્રેન્યુઅલ ખરીદવા માટેની વાત કરી હતી. જેની કિ.9.90 લાખ યુ.એસ.ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ 8.31 કરોડ થતું હોય પરાગે એડવાન્સ પેટે યુરો સિકયોરિટી પેટે રકમ અપાવવાની વાત કરી હતી અને એગ્રીમેન્ટ કર્યુ હતું અને એગ્રીમેન્ટ મુજબ દિલ્હીની કંતિકા કંપનીને રૂા.2,40,500 યુએસ ડોલર મુજબ 2 કરોડ ચુકવવાના થતાં હતાં.જેથી કંપનીના ખાતામાં રૂા.બે કરોડ કંતિકા કંપનીના બેંક ખાતામાં આરટીજીએસ મારફતે ટ્રાન્ફર કર્યા હતાં.
એગ્રીમેન્ટ મુજબ પહેલા તેની કંપનીની ઓર્ડર મુજબ માલ પહોંચાડવાનો હોય જો તેમાં યોગ્ય રીતે કામ ન થાય તો સોદો કરેલ રકમના પાંચ ટકા કંપનીને ચુકવવાના થતાં હતાં. એડવાન્સ પેમેન્ટની સિકયોરિટી પેટે કંતિકા કંપની બેંક ગેરેન્ટી અને ડિમાન્ડ ડ્રાફટ આપશે પરંતુ એડવાન્સ રકમના બે કરોડ ચુકવ્યાના એક અઠવાડિયા સુધી કોઈ સિકયોરિટી આપવામાં આવી નથી. આ બાબતે દલાલ પરાગનો સંપર્ક કરતાં તેને યોગ્ય જવાબ આપ્યો ન હતો. રકમ ચુકવ્યા છતાં માલની ડિલેવરી ન મળતાં આ બાબતે કંપની દ્વારા ટ્રાન્સપોર્ટર અજગર અલી ખલીફા કે જે પરાગને ઓળખતો હોય જેના મારફતે પરાગનો સંપર્ક કર્યો હતો.
બાદમાં કંપનીના ડાયરેકટર ચંચલરાની વતી કપીલ શર્માએ સંપર્ક કરી ઈરાનના અબ્બાસા પોર્ટ પર માલ તૈયાર હોવાની વાત કરી અને વેપારી મિત્ર ઈમરાન સોઢા અને કપીલ શર્મા સાથે ઈરાનના અબ્બાસા બંદર ખાતે પણ કંપનીના મેનેજર લઈ જવામાં આવ્યા હતાં અને પાંચ દિવસ ત્યાં રોકાણ કર્યુ હતું. પરંતુ સલ્ફરનો માલ દેખાડયો ન હતો. જેથી કંપની સાથે છેતરપીંડી થયાનું મેનેજર પ્રવિણ બગડાને લાગતા તેઓ પરત આવ્યા બાદ આ ટોળકીનો સંપર્ક કરતાં ટોળકીએ ફોન બંધ કરી દીધો હોય જેથી આ મામલે ટોળકી વિરૂધ્ધ રાજકોટમાં ફરિયાદ નોંધાવી હતી.