ઉપલેટામાં વોંકળાની સફાઇ માટ ખર્ચેલા રૂા.17 લાખ પાણીમાં
ગ્રાન્ટના રૂપિયાનો વપરાશ કરી ધકેલ પંચા દોઢસો જેવી શાસકોની ખોરી નીતિ
ઉપલેટા શહેરમાં આવેલા વિવિધ વોકળાની સાફ-સફાઈ માટે સરકાર દ્વારા ઉપલેટા નગરપાલિકાને રૂૂપિયા 20/- લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેમાં આ ગ્રાન્ટ માંથી ઉપલેટા નગરપાલિકાએ 17/- લાખ ઉપરાંતની રકમની ચુકવણી કરી છે ત્યારે ઉપલેટા નગરપાલિકાને ફાળવવામાં આવેલી ગ્રાન્ટના કામમાં ભરપૂર ભ્રષ્ટાચાર, ગોલમાલ કરાઈ હોવાનું માહિતીઓ સામે આવી છે અને યોગ્ય સાફ સફાઈ ન થઈ હોવાની બાબતો સામે આવી છે.
આ અંગે કરેલા થયેલ, મંજૂર થયેલ કામ અને ચૂકવવામાં આવેલા બિલો અને કામ સહિતની તમામ વિગતો મેળવવા માટે એક અરજદાર દ્વારા આ અંગેની કરવામાં આવેલી આર.ટી.આઈ. માં ઉપલેટા નગરપાલિકા દ્વારા વોકળાની સફાઈના કામ માટે 17/- લાખ ઉપરાંતની રકમના બીલો ચૂકવ્યા છે ત્યારે આ સાફ-સફાઈના બિલો અને સફાઈ અંગેની થયેલી કામગીરી અંગેના દસ્તાવેજોની ચકાસણી કરતા ઉપલેટા નગરપાલિકાની કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે.
વોકળાની ચાલી રહેલી સાફ-સફાઈની કામગીરી દરમિયાન માહિતી માંગનાર અરજદાર દ્વારા અગાઉ પણ ઉપલેટાના મુખ્ય અધિકારીને આ અંગે મૌખિક ફરિયાદ અને રજૂઆત કરી સફાઈ યોગ્ય ન થતી હોય તેમજ યોગ્ય રીતે કામ ન થતું હોય તેમજ નગરપાલિકાના કોઈપણ જવાબદાર કર્મચારી હાજર ન હોય તે અંગે રજૂઆત કરી હતી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામ ન કરેલ હોવા છતાં ઉપલેટા નગરપાલિકાએ લાખો રૂૂપિયાના બિલ ચૂકવી દીધા છે જેથી હવે કયા આધાર ઉપર આ બિલ ચૂકવ્યું તેમાં પણ ઉપલેટા નગરપાલિકાની શંકાસ્પદ ભૂમિકાઓ અને કંઈક રંધાઈ ચૂક્યું હોય તેવી ગંધ સામે આવી છે કારણ કે, આ પુર્ણ થયેલ કામની પહોંચમાં ગાડીનો સમય અને સ્થળમાં વિસંગતતા છે તેમની સાથે વાહનોના નંબર પણ નથી લખવામાં આવ્યા કે, કોન્ટ્રાક્ટર અથવા તો મશીન ઓપરેટરની સહી પહોંચમાં સામેલ નથી જેથી આ પહોંચ કામ પૂર્ણ થયા બાદ તાબડતોબ રીતે બનાવાયેલ હોવાનું જણાઈ રહ્યું છે.
આ અંગે આર.ટી.આઈ. માંથી મળેલા દસ્તાવેજોની ચકાસણી કરતા સફાઈ માટે એક કલાકના રૂૂપિયા 3470/- લેખે ચૂકવાયેલ રકમ અને સાફ-સફાઈ માટે બનેલી પહોંચ અને સાફ-સફાઈના વિસ્તાર અને સમયની અંદર પણ ઘણી વિસંગતતાઓ જોવા મળી રહી છે.