જેતપુર-જામકંડોરણા વિસ્તારના મુખ્ય 6 રસ્તાના કામ માટે રૂા.105 કરોડ મંજૂર કરાયા
પ્રજાજનો વતી મુખ્યમંત્રીનો આભાર માનતા કેન્દ્રીય મંત્રી માંડવિયા, ધારાસભ્ય રાદડિયા
જેતપુર-જામકંડોરણા વિધાનસભા વિસ્તારના છ મુખ્ય રસ્તાઓના કામ માટે મુખ્યમંત્રી રૂ.105 કરોડ મંજુર કરતા બન્ને તાલુકાની પ્રજામાં આનંદ ફેલાયો છે. કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ ડો.મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની રજૂઆતને સફળતા મળી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જે રસ્તાના કામો થવાના છે તેમાં જેતપુર-બગસરા રોડ, જામકંડોરણા-ખજુરડા-ટીંબડી-અરણી-ભાયાવદર-ખારચિયા રોડ, જેતપુર-મેવાસ-દૂધીવદર-જામકંડોરણા રોડ, ગોંડલ-ત્રાકુડા- જામકંડોરણા રોડ, જેતપુર-નવાગઢ સીટી લીમીટ રોડ, જેતપુર-નવાગઢ રોડ ઉપર રેલવે ક્રોસિંગ હયાત નાળાને અંડરબ્રીજ બનાવવાનો સમાવેશ થાય છે.
જેતપુર-જામકંડોરણા વિધાનસભા વિસ્તારના ભારે વરસાદને કારણે રોડ રસ્તાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ ડો.મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરતા મુખ્યમંત્રીએ રજૂઆતને ધ્યાને લઇ રૂપિયા 105 કરોડ રસ્તાઓને નવીનીકરણ માટે મંજૂરી આપેલ છે.
આ તકે જેતપુર-જામકંડોરણાના પ્રજાજનો વતિ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો પોરબંદર સાંસદ ડો.મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ આભાર માન્યો છે.