ગોંડલના યુવાન સાથે લગ્ન કરી લૂંટેરી દુલ્હન બ્યુટી પાર્લરમાં જવાનું કહી દાગીના રોકડ સાથે છૂ....
- લગ્ન કરાવી દેવાનું કહી અગાઉ બે લાખ પડાવ્યા બાદ લૂંટેરી દુલ્હન 4 દિવસ રોકાઈ : સૂત્રાપાડામાં પણ યુવકને ફસાવ્યાનું ખુલ્યું
રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા અપરિણીત યુવકને પરણાવી દેવાની લાલચ આપી લુટેરી દુલ્હન ચાર દિવસ ઘરે રોકાયા બાદ ઘરમાંથી રોકડ અને દાગીનાનો હાથફેરો કરી પલાયન થઈ ગયાની પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. અપરિણીત યુવકોને પરણાવી દેવાની લાલચ આપી સુત્રાપાડા પંથકમાં પણ એક યુવકને ફસાવ્યો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ જેતપુર રોડ પર આવેલ ગીતાનગરમાં રહેતા અને ચાની હોટલ ધરાવતાં કિશોરભાઈ કરશનભાઈ મીસવાણીયા (ઉ.56) નામના બાવાજી પ્રૌઢે પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રિયાઝ કરીમ મીઝા, મુસ્કાન ઉર્ફે કોમલ રીયાઝ મીર્ઝા અને કૌશરબાનુ ઉર્ફે પૂજા અસરફ યુસુફ કાનમીના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને બીજા નંબરનો પુત્ર જયેશ અપરિણીત હોય તેના માટે છોકરી શોધતા હોય પોતાના સંબંધી આનંદભાઈએ રીયાઝનો ફોન નંબર આપી દલાલ રિયાઝ છોકરીઓ શોધી આપવાનું કામ કરતો હોવાનું જણાવતાં ફરિયાદીએ પોતાાન પુત્ર માટે દલાલ રિયાઝનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ દલાલે મોબાઈલ ફોનમાં છોકરીના ફોટા મોકલાવ્યા હતાં.
દલાલે મોકલાવેલા ફોટામાંથી એક છોકરી ગમી જતાં મળવાનું કહ્યું હતું અને આઠ દિવસ પછી ઈકો ગાડીમાં છોકરી અને બીજી બે મહિલાઓ સાથે ગોંડલ મળવા આવ્યા હતાં આ વખતે છોકરી વિમલ ગુટખા ખાતી હોય જયેશ અને તેના પરિવારજનોએ ના પાડી દીધી હતી. ત્યારબાદ દલાલે બીજી છોકરીના ફોટા મોકલાવ્યા હતાં. જેમાં એક છોકરી ગમી જતાં આ છોકરીનું સાચુ નામ છુપાવી તેનું ખોટુ નામ પૂજા હોવાનું કહ્યું હતું. લગ્ન થાય ત્યારે બે લાખ આપવાનું નક્કી થયું હતું.
બાદમાં દલાલે બાવાજી પરિવારને રાજકોટ વકીલની ઓફિસે આધારકાર્ડ સાથે પૈસા લઈ આવવા કહ્યું હતું. જ્યાં દલાલે બે લાખ રૂપિયા ચુકવ્યા હતાં અને વકીલની ઓફિસે તમામના આધારકાર્ડની નકલ આપી હતી. પરંતુ બે દિવસ સુધી વકીલ નહીં આવતાં ફરિયાદીએ દલાલ પાસે પોતાના રૂપિયા પરત માંગતાં દલાલ પૂજા નામની છોકરીને લઈ તેના ઘરે પહોંચ્યો હતો અને ફુલહાર કરાવી બન્નેના લગ્ન કરાવી દીધા હતાં.
લગ્નબાદ પૂજા ઉર્ફે કૌશરબાનુ ચાર દિવસ રોકાઈ હતી અને બ્યુટીપાર્લરમાં તૈયાર થવાનું કહી ઘરેથી નીકળી ગયા બાદ પરત નહીં આવતાં ઘરમાં તપાસ કરતાં દોઢ લાખના સોનાના બે ચેઈન અને 50 હજારની રોકડ રકમ લુટેરી દુલ્હન લઈ પલાયન થઈ ગયાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસની તપાસમાં દલાલ રિયાઝ અને તેની પત્ની મુસ્કાન ઉર્ફે કોમલે સુત્રાપાડા પંથકમાં પણ એક અપરિણીત યુવકને ફસાવી પૂજા ઉર્ફે કૌસરબાનુ સાથે પરણાવી ચિટીંગ કર્યાનું બહાર આવ્યું છે.