ગૃહમંત્રીનાં રૂટ ઉપર રાતોરાત રસ્તા ચકાચક થઇ ગયા
રેસકોર્ષ રિંગ રોડથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીના રોડ ઉપરથી ખાડા ગાયબ, ફૂટપાથ અને ડિવાઇડર કલરથી ચમકવા લાગ્યા !
રાજકોટમા આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખેડૂત સંમેલનમા હાજરી આપવા પહોંચે તે પૂર્વે રેસકોર્ષ મેદાનની આસપાસના રોડ-રસ્તાઓ ઉપરથી રાતો રાત ખાડા ગાયબ થઇ ગયા હતા અને ડિવાઇડર તથા ફૂટપાથો પણ રંગરોગાન સાથે ચકાચક કરી દેવામા આવી હતી.
રાજકોટમાં ચોમાસાનાં પ્રારંભથી જ નાના - મોટા તમામ રસ્તાઓ ભાંગી પડયા છે અને મસમોટા ખાડાઓનાં કારણે અવાર-નવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. વરસાદે વિરામ લીધાને 15 દિવસ થઇ જવા છતા હજુ મોટાભાગનાં વિસ્તારોમા કોર્પોરેશનનાં કોન્ટ્રાકટરોએ ખોદેલા તેમજ વરસાદના કારણે પડેલા ખાડા બુરાયા નથી અને પથ્થર , મોરમ અને બ્લોક નાખી થૂંકના સાંધા મારવામા આવી રહયા છે.
પરંતુ ગૃહમંત્રીનો રાજકોટનો કાર્યક્રમ જાહેર થતાં જ કોર્પોરેશનનુ તંત્ર વિજળીક ગતિએ કામે લાગ્યુ હતુ અને ચમત્કાર સર્જાયો હોય તેમ 72 કલાકમા તો રેસકોર્ષ રિંગ રોડ ઉપરાંત રિંગ રોડને જોડતા માર્ગો તેમજ જે રૂટ ઉપરથી ગૃહમંત્રી પસાર થવાના છે તે રૂટ પરના ગાબડા બુરાઇ ગયા છે અને ડિવાઇડર તેમજ ફૂટપાથ પણ સાફ સૂફ કરીને રંગ રોગાન કરી દેવામા આવેલ છે.
ગૃહમંત્રી હિરાસર એરપોર્ટથી બાય રોડ રેસકોર્ષ મેદાન સુધી આવવાના હોવાથી કુવાડવા રોડ , પારેવડી ચોક, સિવિલ હોસ્પિટલ ઓવરબ્રિજ , રાજકોટ જિલ્લા બેંક ભવનથી રેસકોર્ષ રિંગ રોડ સુધીના રોડ રાતો રાત ચકાચક કરી દેવામા આવ્યા છે.
આમ લાંબા સમયથી ખાડાઓનાં કારણે શહેરીજનો ભારે પરેશાન છે અને હજુ સુધી પણ છુટકારો થયો નથી પરંતુ ગૃહમંત્રી આવતા જ જાણે ચમત્કાર થયો હોય તેમ તેમનાં કાફલાનાં રૂટ ઉપર રસ્તા ચકાચક થઇ ગયા છે ત્યારે ગૃહમંત્રી અચાનક પોતાનો રૂટ બદલી શહેરનાં અન્ય રસ્તાઓ ઉપર ચકકર મારી ખાડાનો જાત અનુભવ કરે તેવી માંગણી લોકો કરી રહયા છે.