રોડ-રસ્તાઓનું નિર્માણ કરોડોની કાળી કમાણીનો ખેલ : ઈજનેરોની પૂછપરછ શા માટે નહીં?
રસ્તાનું નિર્માણ સિટી ઈજનેરની રાહબરી હેઠળ જ થતું હોય છે : ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ કામ કરાવવાથી માંડીને ડિઝાઇન, ક્વોલિટી અને મજબૂતી સહિતના તમામ પાસાઓનું સુપરવિઝન પણ આ અધિકારીએ કરવાનું હોય છે : મલાઈ તારવવા રઘવાયા ફરતા ભ્રષ્ટ બાબુઓના પ્રતાપે રસ્તાઓની પથારી ફરી ગઈ
જામનગર મહાનગરપાલિકા હસ્તક સમગ્ર શહેરમાં અને શહેરની આસપાસના ધોરીમાર્ગને જોડતા વિસ્તારોમાં, ચોમાસાના 2-3 માસને બાદ કરતાં સમગ્ર વર્ષ દરમ્યાન રોડ-રસ્તાઓ બનાવવાનો ધમધમાટ ચાલતો હોય છે, જેની પાછળ કરદાતાઓની કમાણીના કરોડો રૂૂપિયાનો ખર્ચ ચોપડે ઉધારાતો હોય છે પરંતુ આ સેંકડો રોડ-રસ્તાઓની ગુણવત્તા અને મજબૂતી તથા ટેન્ડર સ્પેસિફિકેશન મુજબની ડિઝાઇન વગેરે બાબતો કાયમ પછાનીથ રાખવામાં આવતી હોય, આ આખો ખેલ કરોડોની કમાણીનો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
ખરેખર તો, આ આખો ખેલ બહાર લાવવા અત્યાર સુધીના કોર્પોરેશનના સિટી ઈજનેરોની આકરી પૂછપરછો થવી જોઈએ એમ જાણકારોનું માનવું છે કેમ કે, આ તમામ રોડ-રસ્તાઓનું નિર્માણ આ અધિકારીઓની દેખરેખ હેઠળ થતું હોય છે.
રોડ-રસ્તાઓની નબળી ગુણવત્તાનો મામલો, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ચર્ચાઓનો વિષય રહ્યો છે કેમ કે, આ નિર્માણકામો પાછળ કરોડો રૂૂપિયાનો ખર્ચ સમગ્ર વર્ષ દરમ્યાન થતો રહેતો હોય છે. જામનગર શહેરમાં પણ છાશવારે તૂટી જતાં રસ્તાઓ, નિર્માણ દરમિયાન જોવા મળતી લાલિયાવાડીઓ, રસ્તાઓની બેડોળ ડિઝાઇન અને રસ્તાઓની તકલાદી સાબિત થતી કહેવાતી મજબૂતી- આ બધી જ બાબતો ઉઘાડા ભ્રષ્ટાચારના બોલતાં પુરાવાઓ છે. જેમાં તપાસની પણ કોઈ જરૂૂર નથી, ખુલ્લો ભ્રષ્ટાચાર દાયકાઓથી સૌની નજર સામે થઈ રહ્યો છે.
જામનગરમાં વહોરાના હજીરાથી ગુલાબનગર રોડને જોડતા રસ્તા પર થોડા મહિનાઓ અગાઉ મહાનગરપાલિકાએ એક પુલ બનાવ્યો છે અને આ પુલ પર તથા બંને બાજુના છેડા પર ડામરરોડ બનાવ્યો હતો. ત્યારબાદ પ્રથમ જ વરસાદમાં આ આખા રોડના છોતરાં નીકળી ગયા છે. રોડના ઉપરના સ્તરના મોટા મોટા અને જાડા પોપડાં ઉખડીને આ રોડ પર રઝળી રહ્યા છે. બ્રિજ જેવા મહત્ત્વના સ્થળે પણ કેટલું હલકું કામ કરવામાં આવે છે તેનો આ ઉત્તમ નમૂનો છે. આખો રોડ મહિનાઓમાં જ, પ્રથમ જ વરસાદમાં વેરવિખેર થઈ ગયો જે દર્શાવે છે કે, કોર્પોરેશનના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના નકશા પરથી સિટી ઈજનેરની સંપૂર્ણ દેખરેખ અને માર્ગદર્શન તથા તેમના જ સુપરવિઝન હેઠળ તૈયાર થયેલો આ રોડ ઉઘાડા ભ્રષ્ટાચારનું બેસ્ટ ઉદાહરણ છે.
આ જ રીતે, લાલપુર બાયપાસ નજીક કરોડો રૂૂપિયાના ખર્ચથી ફ્લાયઓવર બનાવવાનો હોય, થોડા મહિનાઓ અગાઉ આ સ્થળે સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે. આ રસ્તાઓના પણ મહિનાઓમાં જ ચીંથરા નીકળી ગયા. કોર્પોરેશન એટલે કે, રસ્તાઓના નિર્માણનું સુપરવિઝન કરનાર સિટી ઈજનેર રસ્તાઓની કવોલિટી બાબતે જાગરૂૂક શા માટે નથી ? તેમની આંખો આડે કયા મટીરીયલ્સની પટ્ટી લગાડેલી હોય છે ? તેઓ સુપરવિઝન નથી કરતાં ? શા માટે નથી કરતાં ? જો સુપરવિઝન કરે છે, તો રસ્તાઓ આટલી હલકી કવોલિટીના શા માટે બને છે ? તેઓ રસ્તાઓનું નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર પ્રત્યે રહેમદ્રષ્ટિ રાખે છે ? શા માટે ?! વગેરે પ્રશ્નો આ તરત તૂટી જતાં રોડને કારણે સપાટી પર આવી રહ્યા છે. આ ઉપરાંત શહેરના સત્યમ કોલોની વિસ્તાર અને એરફોર્સ-ટુ ગેટને જોડતો મુખ્ય રોડ મહાનગરપાલિકાના આવાસ નજીક ભયાનક રીતે તૂટી ગયો છે. નવાઈની વાત એ છે કે, આ રોડ લાખો રૂૂપિયાના ખર્ચથી ગત્ વર્ષે જ બનાવવામાં આવેલો. મુખ્ય રોડનું આયુષ્ય એક જ વર્ષનું હોય છે ?!
આ પ્રકારના રસ્તાઓ બનાવીને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સહિતના સૌ સંબંધિતો મલાઈ તારવતા હોય છે- આ હકીકત હવે તો નાના છોકરાંઓ પણ જાણવા માંડ્યા છે. કરદાતા નગરજનોના નાણાં આ રીતે ભ્રષ્ટાચારમાં વેડફી નાંખવાનો અધિકાર સૌ સંબંધિતોને કોણે આપ્યો ? અને, આવા ભંગાર રસ્તાઓ પર ચાલતી વખતે, વાહનો ચલાવતી વખતે કરદાતાઓએ સહન કરવી પડતી હાડમારી, માનસિક ત્રાસ, શારીરિક અને આર્થિક નુકસાની તથા અકસ્માતમાં ગુમાવવા પડતાં સમય, શક્તિ, નાણાં અને ઘણી વખત જિંદગીઓ પણ- આ બધી બાબતોની જવાબદારીઓ કોની છે ? સિટી ઈજનેર આમાંની એક પણ બાબતને ગંભીર નથી ગણતાં ?! આ બધી જ બાબતો સંવેદનશીલ નથી ? એવો પણ પ્રશ્ન નગરજનો પૂછી રહ્યા છે.
કોઈ પણ રસ્તો બનતાં અગાઉ કોર્પોરેશનના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગે તેના નકશા સહિતની કાગળો પરની કાર્યવાહીઓ કરવાની હોય છે. ત્યારબાદ સિટી ઈજનેરની દેખરેખ હેઠળ આ કામો માટેની ટેન્ડર વગેરેની તેમજ સ્પેસિફિકેશન સહિતની ટેક્નિકલ વગેરે બાબતો નક્કી થતી હોય છે. જેમાં રસ્તાઓની ડિઝાઇન, ગુણવત્તા અને મજબૂતી સહિતની બાબતોનું સુપરવિઝન પણ આ ઈજનેર બાબુઓએ જ કરવાનું રહે છે. રસ્તાઓ બની રહ્યા હોય ત્યારે રસ્તાઓની કવોલિટી પણ એમણે ચકાસવાની હોય છે, કવોલિટી રિપોર્ટ તૈયાર કરવાના હોય છે,
સબમિટ કરવાના હોય છે, જેના આધારે કોન્ટ્રાક્ટરોના બિલો મંજૂર થતાં હોય છે, કોન્ટ્રાક્ટરોને નાણાંની ચૂકવણી થતી હોય છે. નબળાં રસ્તાઓ બાબતે ઈજનેર બાબુઓ આ બધી રસમો અભેરાઈ પર મૂકી દેતાં હશે ? કે પછી, ગરબડ ગોટો પરમેશ્વર મોટો એમ કહી બધી સંવેદનશીલ બાબતોના ફીંડલા વાળી દેતાં હશે ?! કોર્પોરેશનના અત્યાર સુધીના બધાં ઈજનેર બાબુઓની આકરી પૂછપરછો થાય તો, રાજકોટ સહિતની અન્ય મહાનગરપાલિકાઓને પણ ચાર ચાસણી વટી જાય એટલો ભ્રષ્ટાચાર બહાર આવી શકે એવી દ્રઢ માન્યતા સરેરાશ કરદાતા નગરજન ધરાવી રહ્યો છે.
સરેરાશ નગરજનને રસ્તાઓના કામોમાં કરોડોની કાળી કમાણીનો ખેલ એટલાં માટે પણ દેખાઈ રહ્યો છે કે, આ કામો કરનારા કોન્ટ્રાક્ટરોનો કયારેય વાળ વાંકો થતો નથી, ન કયારેય કોઈ દંડિત થાય, ન કોઈને પેનલ્ટી થાય, ન કોઈ કોન્ટ્રાક્ટરનું બિલ રોકાય અને ગમે તેટલાં રસ્તાઓ, ગમે ત્યારે તૂટે ન કોઈ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ થાય. જામનગર મહાનગરપાલિકાની આ બધી વિશેષતાઓ કોર્પોરેશનની અસલિયત બહાર લાવી રહી છે.