રિક્ષા ગેંગ ફરી ઝળકી: ઊલટી ઉબકાનું નાટક કરી મુસાફરના 10 હજાર તફડાવી લીધા
શહેરમાં રીક્ષા ગેંગનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. મુસાફરોને રીક્ષામાં બેસાડી ઉલ્ટી ઉબકાનું નાટક કરી રોકડ અને કિંમતી સામાન ચોરી કરી લેતાં હોવાના બનાવો અનેકવાર સામે આવતાં રહે છે. ત્યારે વધુ એક બનાવમાં 150 ફુટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસેથી રીક્ષામાં બેઠેલા મુસાફરની નજર ચુકવી રીક્ષા ગેંગે રૂા.10 હજારની રોકડ તફડાવી લીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જાણવા મળતી વિગત મુજબ મુળ જામકંડોરણાના સાજડીયારી ગામને અને હાલ મવડીમાં વિશ્ર્વનગર શેરી નં.3માં રહેતો અશ્ર્વિન ભીખાભાઈ સોજીત્રા (ઉ.31) નામનો યુવાન ગત તા.29/2નાં રોજ 150 ફુટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસેથી રીક્ષામાં બેઠો હતો ત્યારે અન્ય એક મુસાફરા પણ બેઠેલો હોય જેણે રીક્ષા થોડી આગળ જતાં તેના ઉપરથી ઉલટી ઉબકા કરવા લાગ્યો હતો. જેથી રીક્ષા ચાલકે રીક્ષા ઉભી રાખી તેની તબીયત સારી નથી હોસ્પિટલે જવું પડશે. તમે બીજી રીક્ષામાં જતાં રહો’ તેમ કહી ઉતારી દેતાં તેણે ખિસ્સામાં તપાસતા રૂા.10 હજારની રોકડ ગાયબ હોય જેથઈ રીક્ષાને બુમ પાડતાં ચાલકે રીક્ષા હંકારી મુકી ભાગી ગયો હતો. જેથી રીક્ષામાં બેઠેલા શખ્સે ઉલ્ટી ઉબકાનું નાટક કરી ખિસ્સામાંથી રોકડ શેરવી લીધી હતી. આ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી રીક્ષા ગેંગની શોધખોળ હાથ ધરી છે.