બંધ બારણે અધિકારીઓ-પદાધિકારીઓનો રિવ્યુ, પ્રજા બહાર
ભાંગેલા રસ્તા સહિતના સળગતા પ્રશ્ર્નોમાં ‘ખાળે ડૂચા ને દરવાજા મોકળા’ જેવી હાલત, નગરસેવકો વિસ્તારમાં ગયા જ નથી તો રિવ્યુ શેનો?
પીડા ભોગવતી પ્રજાને પૂછવાના બદલે ફરી એક વખત અધિકારીઓ ઉપર માછલા ધોતા કોર્પોરેશનના શાસકો
વરસાદે રાજકોટ શહેરની સાથો સાથ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની પથારી ફેરવી નાખી છે. રોડ-રસ્તા સહિતની ફરિયાદોએ કાળો કેર વર્તાવતા સરકારે પણ તેની નોંધ લઈ ત્વરીત પ્રજાના પ્રશ્ર્નોને ઉકેલવાના આદેશ આપ્યા છે. જેના પગલે મહાનગરપાલિકાને હવે નવું તુત સુજ્યુ હોય તેમ વોર્ડના રોડ રસ્તાના કામોની હાલત જાણવા માટે કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે ગઈકાલે સેન્ટ્રલઝોન ખાતે રિવ્યુ મીટીંગ યોજી હતી. જેમાં હાડમારીથી પિસાતી પ્રજાને સ્થાન ન આપી બંધ બારણે બેઠક યોજાયેલ તેની ભારે ચર્ચા જાગી છે કે, કોર્પોરેટરો પોતાના વિસ્તારોમાં જતાં નથી તો પ્રજાના બદલે તેમની પાસેથી સેનો રિવ્યુ લેવામાં આવ્યો હતો.
શહેરના તુટેલા રોડ રસ્તાઓ સહિતની સમસ્યાઓના નિવારણ માટે ગઈકાલે પદાધિકારીઓ દ્વારા રિવ્યુ મીટીંગ યોજવાની મસમોટી જાહેરાત કરવામાં આવી ત્રણેય ઝોનલ કચેરી ખાતે એક-એક દિવસ અધિકારીઓ અને તે વોર્ડના તમામ કોર્પોરેટરો સાથે રિવ્યુ મીટીંગ યોજાશેતેમ જણાવ્યું હતું. જે અંતર્ગત ગઈકાલે સેન્ટ્રલઝોન કચેરી ખાતે રિવ્યુ મીટીંગય યોજવામાં આ હતી. જેમાં વોર્ડ નં. 2,3,7,13,14 અને 17ના કોર્પોરેટરો અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. મેયરની અધ્યક્ષતામાં યોજાયેલ મીટીંગમાં રાબેતા મુજબ અધિકારીઓ પાસેથી સેન્ટ્રલઝોનમાં વોર્ડવાઈઝ થયેલા પ્રગતિ હેઠળના કામોની જાણકારી મેળવવામાં આવી હતી અને દર વખતની માફક આ વખતે પણ સમય મર્યાદામાં સતવરે કામ પૂર્ણ કરવાની સુચના અપાઈ હતી. મીટીંગ દરમિયાન કોર્પોરેટરો ચુપ બેસેલા જોવા મળ્યા હતાં.
તેથી દરરોજ ઓફિસમાં બેસી અધિકારીઓ સાથે મીટીંગનો દૌર યોજતા પદાધિકારીઓને દરેક વોર્ડની સ્થિતિનો ખ્યાલ ન હોય જેની સામે અધિકારીઓ દર વખતે કરેલા કામોની યાદી રજૂ કરી દેતા હોય ખરે ખર જે તે વોર્ડના કોર્પોરેટરોને તેમના વોર્ડ અંગેની માહિતી પુછવી જોઈએ તેવી જ રીતે દરેક વોર્ડમાંથી લોકોને પણ આ બેઠકમાં બોલાવી તેમની સમસ્યાઓ જાણવી જોઈએ જેની જગ્યાએ ફક્ત ઘરના ભુવા અને ઘરના ડાકલા ઉક્તિ સાચી પડે તેમ ફક્ત અધિકારીઓ, પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ સાથે બેસી ચર્ચા કરી હાથ ખંખેરી ઉભા થઈ ગયા હતાં. જેની શહેરભરમાં ચર્ચા જાગી છે. સેન્ટ્રલઝોન કચેરી ખાતે ગઈકાલે સંકલન તેમજ લોકોના પ્રશ્ર્નો અને પ્રગતિ હેઠળના કામો અંગેની રિવ્યુ મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં મનપાના તમામ ઉચ્ચ અધિકારીઓ તેમજ દરેક વિભાગના અધિકારીઓ અનેકોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં.
ચોમાસા દરમિયાન તુટેલા રોડ-રસ્તાઓ તેમજ ડ્રેનેજ અને ડીઆઈપાઈપલાઈન સહિતના વર્તમાન કામો અંગેની વિગતો અધિકારીઓ પાસેથી જાણ્યા બાદ તેઓને તાત્કાલીક કામો પુરા કરવાની સુચના આપેલ પરંતુ લોકોને ક્યા પ્રકારની સમસ્યાઓ છે તે અંગે એક પણ કોર્પોરેટરને પુછવામાં ન આવેલ તેવી જ રીતે જાહેરાત કર્યા બાદ બંધ બારણે ફક્ત કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે પદાધિકારીઓ સાથે મીટીંગ યોજી ફરી એક વખત પ્રજાના પ્રશ્ર્નો રૂબરૂ સાંભળવાની હિમત ન કરી પોતાનું કાર્ય પ્રણાલીનો નમુનો બતાવી દીધો હતો.
મેયરે ફોન કર્યા છતાં કમિશનર બેઠકમાં ન આવતા કોર્પોરેટરોમાં કચવાટ : પ્રમુખે મામલો થાળે પાડ્યો
શહેરમાં રોડ-રસ્તા સહિતની ઉદ્ભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ લોકોનો આક્રોશ શાંત પાડવા ગઈકાલે પદાધિકારીઓએ રિવ્યુ મીટીંગ યોજી પ્રશ્નોોના ઝડપી નિકાલ થશે તેવી જાહેરાત કરી હતી. જે અંતર્ગથ સેન્ટ્રલઝોન કચેરી ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવેલ આ મીટીંગમાં દરેક વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ છ વોર્ડના તમામ કોર્પોરેટરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને અધિકારીઓ સાથે પ્રગતિ હેઠળના કામો અને લોકોની ફરિયાદોના આધારે હવે પછી થનાર કામો અંગે ચર્ચા કરી હતી પરંતુ શહેરની જવાબદારી જેમના ઉપર છે તેવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા મીટીંગમાં ન દેખાતા તરેહ તરેહની વાતો થઈ હતી. અને આ બાબતે તપાસ કરતા માલુમ પડેલ કે, મેયરે ખુદ ફોન કરી મ્યુનિસિપલ કમિશનરને મીટીંગમાં ઉપસ્થિત રહેવા સુચના આપી હતી. છતાં કમિશનર મીટીંગમાં ન આવતા કોર્પોરેટરોમાં નારાજગી જોવા મળી હતી અને ફરી એક વખત મેયરનું કંઈ ઉપજતુ નથી તેવી ચર્ચા જાગેલ અને મામલો ગરમાઈ જતાં અંતે મીટીંગમાં ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખે મેયરને શાંત પાડી હવે પછી મ્યુનિસિપલ કમિશનર દરેક મીટીંગમાં ઉપસ્થિત રહેશે તેવું આશ્ર્વાસન આપી મામલો થાળે પાડ્યો હતો. છતાં ફરી એકવખત મેયરની સુચના હોવા છતાં કમિશનર હાજર ન થયા તે મુદ્દે કોર્પોરેટરો, અધિકારીઓ અને શહેરીજનોમાં પણ આ મુદ્દે ભારેચર્ચા જાગી છે.