રાજકોટમાં પરિણીત પુત્રીના પ્રેમીની હત્યામાં ઝડપાયેલા PGVCLના નિવૃત્ત કર્મચારીનો આપઘાત
સારણગાંઠની તકલીફ હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ
પરિણીત પુત્રીને ઘરે મળવા આવેલા તેના પ્રેમિની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવાના ગુનામાં પકડાયેલા આરોપી રાજેન્દ્ર પોપટભાઈ રાઠોડ (ઉ.વ.6પ)એ રાજકોટની સિવીલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પ્ર.નગર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે. નિયમ મુજબ એસીપીને તપાસ સોંપાઈ છે. જેના દ્વારા કયા કારણથી આ પગલું ભર્યું તે વિશે તપાસ શરૂૂ કરાઈ છે.
વધુ વિગતો મુજબ, રેલનગરના દર્શન વિલામાં રહેતાં રાજેન્દ્રભાઈ પીજીવીસીએલમાં નોકરી કરી નિવૃત થયા હતા. તેની પુત્રી કિરણના લગ્ન ઉપલેટા થયા હતા. જેને બે સંતાનો હતા.કિરણને ઉપલેટાના ઈસરા ગામે રહેતાં આસીફ ઈકબાલ સોરા (ઉ.વ.30) સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.જેને કારણે ઝઘડા થતાં રાજકોટ પિતાના ઘરે રેલનગરમાં રહેવા આવી હતી. ગત જાન્યુઆરી માસમાં તેને પ્રેમી આસીફ મળવા આવ્યો હતો.
બંને હોલમાં બેઠા હતા ત્યારે અચાનક તેના પિતા રાજેન્દ્રભાઈ ઘસી આવ્યા હતા. જેણે આસીફને છરીના આડેધડ ઘા ઝીંકી પતાવી દીધો હતો. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી રાજેન્દ્રભાઈની ધરપકડ કરી તપાસના અંતે જેલહવાલે કરી દીધા હતા. જેલમાં છેલ્લા દસેક માસથી કાચા કામના કેદી તરીકે રહેલાં રાજેન્દ્રભાઈને સારણગાંઠની તકલીફને કારણે ગઈ તા.પના રોજ સિવીલમાં દાખલ કરાયા હતા. જયાંથી તેને પ્રિઝનર વોર્ડમાં રખાયા હતા. ઓપરેશન સિવીલમાં કરાવવું કે ખાનગી હોસ્પિટલમાં તેનો હજૂ નિર્ણય લેવાયો ન હતો.તે દરમિયાન સવારે પ્રિઝનર વોર્ડમાં જ પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
જે અંગે જાપ્તા પોલીસ પાર્ટીનો માણસ અજાણ રહ્યો હતો. જાણ થતાં પ્ર.નગર પોલીસમાં એન્ટ્રી કરાવી હતી.પોલીસે હવે ખરેખર કયા કારણથી આ આત્મઘાતી પગલું ભર્યું તે વિશે તપાસ હાથ ધરી છે. પ્રિઝનર વોર્ડમાં દાખલ કેદી ઉપર દેખરેખ રાખવા માટે જાપ્તા પાર્ટીના માણસો તહેનાત હોય છે.આમ છતાં આ બનાવ બનતાં ફરજ પરના જાપ્તા પાર્ટીના માણસની બેદરકારી છતી થઈ છે.જે અંગે પણ તપાસ કરાશે.