રહેમ રાખવાનું વેપારીને ભારે પડ્યું: દારૂના નશામાં આતંક મચાવનારને જવા દીધો તો દુકાનમાં આગ ચાંપી
જસદણના ગોકુલ ચોકમાં બનેલી ઘટના: ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો
રાજકોટ જિલ્લાના જસદણમાં ઈલેક્ટ્રોનિક્સના વેપારીને રહેમ રાખવાનું ભારે પડ્યું છે. ઘર પાસે જ દુકાન ધરાવતા વેપારીના ઘર પાસે દારૂના નશામાં આતંક મચાવતા શખ્સને પકડીને પોલીસના હવાલે કરી દીધા બાદ રહેમ રાખી જવા દેતા દારૂના નશામાં આતંક મચાવનાર શખ્સે દુકાનમાં જ્વનશીલ પદાર્થ છાંટી બે સાગરીતોની મદદથી આગ ચાંપી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
જસદણના ગોકુલ ચોકમાં રહેતા સલીમ અજીતભાઈ પરિયાણી ઉ.વ.42 નામના મેમણ વેપારીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા પ્રેમ જેઠવા, તેના સાગરીત કરણ કનુભાઈ પરમાર અને સીધુ કાળુભાઈ પરમારના નામ આપ્યા છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા. 18-7-24ના રાત્રીના 11 વાગ્યાના અરસામાં આરોપી પ્રેમ જેઠવા દારૂના નશામાં દુકાનબહાર પડેલ ઈલેક્ટ્રીક સામાનમાં તોડફોડ કરતો હોય જેની જાણ ફરિયાદીને થતાં તાત્કાલીક દુકાને દોડી જઈ પોલીસને જાણ કરી હતી. અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પરંતુ પ્રેમ જેઠવાના માતા-પિતા વચ્ચે પડી રહેમ રાખવા રજૂઆત કરતા વેપારીએ પ્રેમ જેઠવાને પોલીસમાં પકડાવવાના બદલે ઠપકો આપી જવા દીધો હતો. ત્યાર બાદ મોડી રાત્રીના 11:30 વાગ્યાના સુમારે દારૂના નશામાં આરોપીએ ફરિયાદીના ઘર પાસે આવેલ તવકલ ઈલેક્ટ્રોનીકસ આઈટમની દુકાન પર જ્વનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી દીધી હતી. જેમાં ફ્રીઝ, વોશીંગ મશીન, સહિતની ચીજવસ્તુઓ બળી ગઈ હતી અને 8 હજાર રૂપિયાનું નુક્શાન થયું હતું. ઘર પાસે દારૂ પી આતંક મચાવતા શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ દુકાનને બે સાગરીતોના મદદથી આગ ચાંપી રહ્યો હતો તે ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
મેટોડામાં સામાન્ય બાબતે યુવાનને બે શખ્સોએ ધમકી આપી
રાજકોટના કાલાવડ રોડ નાનામૌવા આંબેડકર નગર શેરી નં. 6માં રહેતા એન ડ્રાઈવીંગ કરતા સંજય લાલજીભાઈ બાબરિયા ઉ.વ.33 નામના યુવાનને મેટોડામાં સામે કેમ જોવે છે તેવુ કહી શિફ્ટ કારના ચાલક તેજપાલસિંહ જાડેજા અને એક્ટિવાના ચાલક અજાણ્યા શખ્સે બેફામ ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી સળિયો લઈ મારવા પાછળ દોડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.