વડોદરાવાસીઓ બગડયા: રોકડિયાને રોકડું પરખાવ્યું તો ડિંડોરને દૂરથી જ કહ્યું… નીકળો
કિટ વિતરણ કરવા નીકળતા નેતાઓ સામે પાણી નિકાલનો કાયમી ઉકેલ કરવાનો આક્રોશ, ફોટોસેશનથી લોકો કંટાળ્યા
પૂરગ્રસ્ત વડોદરામાં પાણી ઉતર્યાં બાદ ધીમે ધીમે જનજીવન થાળે પડી રહ્યું છે. આ દરમિયાન ભાજપના નેતાઓ મદદના નામે લોકો વચ્ચે ફોટો પડાવવા જઈ રહ્યાં છે. જો કે તેમને લોકોના રોષનું ભોગ બનવું પડી રહ્યું છે. વાઘોડિયારોડ વિસ્તારમાં વોર્ડ નંબર-15 ના વિસ્તારમાં કિટ વિતરણ કરવા ગયેલા શિક્ષણમંત્રીએ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. વાઘોડિયા રોડની રામવાટિકા સોસાયટીની પાછળનો વિસ્તાર એવો છે કે જ્યાં બે-ત્રણ ઇંચ વરસાદ પડતાં જ પાણી ભરાઇ જાય છે. વળી આ પાણીનો નિકાલ પણ સૌથી છેલ્લે થાય છે.આ વિસ્તારની સોસાયટીઓના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ પાણી નિકાલનો કોઇ જ ઉકેલ આવ્યો નથી અને નેતાઓ અહીં ફોટો પડાવવા આવી જાય છે.
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા વોર્ડ નંબર-15ના વિસ્તારમાં કિટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન અનેક લોકોએ દૂરથી જ કિટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેમણે અમારે કિટની જરૂર નથી. તેમ કહી પાણીના નિકાલનો કાયમી ઉકેલ જોઇએ છે, તેવી ઉગ્ર માંગ કરાઇ હતી. ઘણા લોકોએ હાથના ઈશારાથી જ મંત્રીને જતા રહેવા જણાવ્યું હતું.
વડોદરાના પૂર્વ મેયર અને ધારાસભ્ય કેયુર રોકડીયાને પણ જનતાએ આડે હાથ લીધા હતા. શહેરના હરિપુરા વિસ્તારમાં કેયુર રોકડીયા પર લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. જેના કારણે રાશનકીટનું વિતરણ કર્યા વગર જ તેમણે ચાલતી પકડી હતી. લોકોએ કહ્યું કે, 5 દિવસ પૂરના પાણી ભરાયા હતા ત્યારે કોઈ જોવા આવ્યું ન હતું. અમારે કોઈ સહાય જોઈતી નથી.
વદોદરામાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ સ્થાનિક તંત્રનો લોકો વિરોધ કર્યો હતો. આ દરમિયાન જે પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં નેતાઓ પહોંચે તો તેમને બહિષ્કાર કરવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પાસેની સોમનાથ સોસાયટીમાં અનાજની કિટ વિતરણ કરવા પહોંચતા અમુક સ્થાનિક લોકોએ પઅમારે કિટની નહીં, પરંતુ પાણીના નિકાલની જરૂૂરિયાત છેથ તેમ કહીને ભાજપના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર સહિતના નેતાઓના સામે વિરોધ નોંધ્યો હતો. તેવામાં ભાજપના સ્થાનિક કાર્યકરો અને દંડક દ્વારા વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક સ્થાનિકે જણાવ્યું હતું કે, પવર્ષોથી ભાજપ સાથે છીએ, પરંતુ હવે ભાજપથી દૂર રહેવું પડશે.
વહેલી તકે શિક્ષણકાર્ય ચાલુ કરવું છે, પુસ્તકોના નુકસાનનો સરવે થશે: શિક્ષણમંત્રી
આ દરમિયાન શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, પહું શુભેચ્છા મુલાકાત માટે આવ્યો છું, પૂરની સ્થિતિ સામે હું સ્થાનિકોને લઈને સહાનુભૂતિ વ્યક્ત કરું છું. આ સાથે અમારી શિક્ષણ વિભાગની ટીમ દ્વારા શહેરમાં વહેલીતકે શિક્ષણકાર્ય શરું થાય તે માટે કાર્યરત છે. આ સાથે પૂરના કારણે નાશ પામેલા પુસ્તકોનો સર્વે કરીને પુસ્તકો પૂરા પાડવામાં આવશે.