For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખાનગી નોકરીઓમાં અનામત, મતબેંકનું હલકું રાજકારણ

12:24 PM Jul 20, 2024 IST | admin
ખાનગી નોકરીઓમાં અનામત  મતબેંકનું હલકું રાજકારણ

આપણા રાજકારણીઓ દેશની એકતા અને અખંડિતતાની મોટી મોટી વાતો કરે છે, બધાં ભારતીયો એક હોવાની રેકર્ડ છે પણ મૂળભૂત રીતે એ લોકો કૂવામાંના દેડકા જેવા છે અને તેમની માનસિકતા એકદમ સંકુચિત છે. તેના કારણે મતબેંક માટે આ બધી વાતોને માળિયા પર ચડાવી દેવામાં તેમને જરાય શરમ નથી નડતી. કર્ણાટક સરકારે ખાનગી કંપનીઓમાં 100 ટકા નોકરીઓ સ્થાનિક લોકો માટે અનામત રાખવાનું ઊભું કરેલું તૂત તેનો તાજો પુરાવો છે. સિદ્ધરામૈયા સરકારે નિર્ણય લીધો કે, પ્રાઇવેટ કંપનીના મેનેજમેન્ટ લેવલમાં પણ 50 ટકા નોકરીઓ માત્ર કન્નડ લોકો માટે અનામત રહેશે. નોન-મેનેજમેન્ટ 75 ટકા હોદ્દા પણ કન્નડિગા માટે અનામત રહેશે. આ મુદ્દે ભારે વિરોધ થતાં કર્ણાટક સરકારે નાકલીટી તાણીને આ નિર્ણય પાછો ખેંચી લેવો પડ્યો છે પણ આ નિર્ણયે નેતાઓની હલકી માનસિકતાને છતી કરી દીધી છે.

Advertisement

કોંગ્રેસ સરકારે આ નિર્ણય લીધો પણ આ હલકી માનસિકતામાં ભાજપ પણ પૂરો ભાગીદાર છે. સિદ્ધરામૈયા સરકારે આ અંગેનું બિલ લાવવાનું એલાન કર્યું ત્યારે ભાજપે તેને ટેકો આપવાની જાહેરાત કરેલી. આ નિર્ણયનો ભારે વિરોધ થયો એટલે સરકારે નિર્ણય પરત ખેંચવો પડ્યો તો ભાજપે ચીમકી આપી છે કે, આ બિલ પસાર નહીં કરાય તો આખા રાજ્યમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળશે ને કર્ણાટક સરકારે તેનાં માઠાં પરિણામ ભોગવવાં પડશે. આપણી કમનસીબી એ છે કે, આ દેશમાં આવા જ નમૂના ભર્યા પડ્યા છે કે જેમની બુદ્ધિ અનામતથી આગળ જતી નથી અને પોતાના સ્વાર્થ માટે કશું પણ કરતાં તેમને ખચકાટ થતો નથી. ખાનગી કંપનીઓમાં સ્થાનિક લોકોને અનામત આપવાનો નિર્ણય અગાઉ પણ ઘણો રાજ્ય સરકારોએ લીધો છે. કર્ણાટકમાં આવો ચોથી વખત પ્રયાસ થયો છે. પહેલાં 2014 અને 2017માં પણ સરકારે આવી જાહેરાત કરી હતી. છેલ્લે ઓક્ટોબર 2020માં યેદિયુરપ્પાની આગેવાની હેઠળની ભાજપ સરકારે ખાનગી નોકરીઓમાં ગ્રુપ સી અને ડીમાં સ્થાનિકોને 75 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી પણ તેનો અમલ થઈ શક્યો નથી.

ચંદ્રાબાબુ નાયડુ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે 2019માં આંધ્ર પ્રદેશમાં ખાનગી નોકરીઓમાં સ્થાનિકોને 75 ટકા અનામત આપવા માટે કાયદો બનાવાયો હતો. આંધ્ર પહેલું રાજ્ય હતું જ્યાં આવો કાયદો લવાયો હોય પણ હાઈકોર્ટે તેને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દેતાં આંધ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. તેલંગાણામાં ઓગસ્ટ-2020માં, મધ્ય પ્રદેશમાં 2019માં, હરિયાણામાં 2020માં, ઝારખંડમાં ડિસેમ્બર-2023માં આવો કાયદો બનાવવાનો પ્રયાસ કરાયો હતો પણ કોઈ રાજ્ય સફળ થયું નથી ને તેનું કારણ એ છે કે આ દેશમાં હજુ ન્યાયતંત્ર સાબૂત છે.

Advertisement

આ દેશના રાજકારણીઓને મતબેંક સિવાય કશું દેખાતું જ નથી. તેના માટે લોકોમાં ભાગલા પાડવા પડે તો ભાગલા પાડવામાં ને લોકોને લડાવવા પડે તો લડાવવામાં પણ તેમને વાંધો નથી. આવી હલતી માનસિકતા ધરાવતા હોય તેમને લાયકાત કે ગુણવત્તાની ચિંતા હોય એવી અપેક્ષા તો રાખી જ ના શકાય. ચંદ્રાબાબુથી માંડીને સિધ્ધરામૈયા સુધીના મુખ્યમંત્રી આ હલકી માનસિકતાનું પ્રદર્શન કરી ચૂક્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement