ટીપી ફાઇનલ નહીં થતા 16 વર્ષથી શાળા નં.99માં ભાડાનું ભણતર
2008થી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને જગ્યા જ મળી નહીં: વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાની રાવ
દર મહિને 33 હજાર ભાડું, લાઇટ બિલ, વેરા સહિતનું ભારણ: વિદ્યાર્થીઓને પણ હેરાનગતિ થતી હોવાની ફરિયાદ
રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્તમાનમાં હાઇટેક શાળાનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ છેલ્લા 16-16 વર્ષથી શાળા નં.99 ભાડાના મકાનમાં ચલાવવામાં આવી રહી છે. વર્તમાનમાં મકાન પણ જર્જરીત થઇ ગયું છે અને બોર્ડની પણ દુદર્શા થઇ ગઇ છે. જર્જરીત બોર્ડમાં શિણકો લખવા અને વિદ્યાર્થીઓ ભણવા મજબુર બની ગયા છે.
આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમીતીના ચેરમેન વિક્રમ પુજારાએ જણાવ્યું હતું કે આ શાળા વોર્ડ નં.15માં ખોખળ નદીના કિનારે આવેલી છે જેને વોર્ડ નંબર 17 અને 18ની બોર્ડર અડે છે. વોર્ડ નં.15માં હાલ ટીપી ફાઇનલ નહીં થવાથી શાળાના નવા બાંધકામ માટે જમીન મળી રહી નથી. જેવી ટીપી ફાઇનલ થશે ત્યારે શાળા નં.99ની ઇમારત માટે જમીન ફાળવવામાં આવશે અને બાંધકામ શરૂ કરી બાળકોને સુવિધા આપવામાં આવશે.
વર્તમાનમાં બે મકાન ભાડે રાખી શૈક્ષણીક કાર્ય કરવામાં આવી રહ્યું છે. 207 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. અદ્યતન શાળા નિર્માણની વાતો કરતા તંત્રના નાક નીચે જ 16-16 વર્ષથી ભાડાના મકાનમાં બાળકો ભણવા મજબુર બન્યા છે તેવી રાવ વાલીઓમાં પણી ઉઠી છે અને રોષ ઠાલવી રહ્યા છે.
મકાન શાળા માટે કોર્પોરેશને ભાડે લીધુ છે તેને ઘણો સમય થઈ ગયો છે. હાલ તેની દિવાલો જર્જરિત થઈ ગઈ છે. અને તેને રીનોવેશન કરવાની જરુર છે. તેમ છતાં તેને રીનોવેશન કર્યા વગર જ બાળકોને તે જ જર્જરિત દિવાલો પર રહેલા જર્જરિત બોર્ડમાં શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે.
વર્ષ 2008 થી ભાડામાં મકાનમાં ચાલે છે આ શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા નંબર 99ની જો વાત કરવામાં આવે તો શાળા 2008થી મકાન ભાડે લઈ ને ચલાવવામાં આવી રહી છે. કોર્પોરેશન દર મહિને આ શાળા માટે રૂૂપિયા 33 હજાર ભાડું આપી રહી છે. તેમ છતાં શાળાના વિદ્યાર્થીઓને પુરતી સુવિધાઓ આપવામાં આવી રહી નથી. જેથી વાલીઓ પણ વારમવાર ફરિયાદો કરી રહ્યા છે.
સ્થાનિકોએ અનેક વખત માંગ કરી છે કે સરકાર એક નવું મકાન બનાવી આપે અને વિદ્યાર્થીઓને પુરતી સુવિધાઓ આપે. પરંતુ તેમનું હજી સુધી કોઈએ સાંભળ્યું ન હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
ખરાબા માટે મનપા-કલેકટરમાં પણ દરખાસ્ત કરી દેવાઇ છે
શાળા નં.99માં અભ્યાસ કરતા છાત્રોને સુવિધા મળી રહે અને કારકિર્દી આગળ વધે તેમજ શાળાને પોતાનું મકાન મળે તે માટે શિક્ષણ સમિતિ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા અને વહીવટી તંત્રની હસ્તક આવતી ખરાબાની જગ્યા પણ ફાળવવા માટે રજુઆત કરવામાં આવી છે. તંત્ર દ્વારા ખરાબો ફાળવવામાં આવે તુરંત શાળાની ઇમારતનું કાર્ય શરૂ કરી દેવામાં આવશે.
-વિકાસ પુજારા- ચેરમેન (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ)
207 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે બાથરૂમ, રિસેસમાં ભારે સમસ્યા
ભાડાના મકાનમાં ચાલતી શાળા નં.99માં 207 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 207 છાત્રો વચ્ચે માત્રને માત્ર બે બાથરૂમની સુવિધા હોવાથી શાળાકાર્ય દરમિયાન રિસેસમાં વિદ્યાર્થીઓને સમસ્યાનો સામનો કરવો પડે છે અને લાઇનમાં ઉભા રહેવું પડી રહ્યાની વ્યથા બાળકો અને વાલીઓએ તંત્ર પાસે ઠાલવી છે.